10 લાખ સામે 12.50 લાખ ચૂકવ્યા છતા 24 લાખની ઉઘરાણી કરી મકાન પચાવી પાડવાની ધમકી

જેટકોના કર્મચારી વ્યાજખોરની ચૂંગાલમાં ફસાયા, માસિક 10 ટકા વ્યાજની વસૂલાત ધોરાજી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર નાણાં ધીરધાર કરતા વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો…

જેટકોના કર્મચારી વ્યાજખોરની ચૂંગાલમાં ફસાયા, માસિક 10 ટકા વ્યાજની વસૂલાત

ધોરાજી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર નાણાં ધીરધાર કરતા વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં ધોરાજી સ્થિત જેટકો (JETCO) 132 કે.વી. કચેરીમાં આસિસ્ટન્ટ લાઇનમેન તરીકે ફરજ બજાવતા અને માતાવાડી પ્લોટ વિસ્તારમાં રહેતા રાજકુમાર વસંતરાય વૈષ્ણવે લાયસન્સ વગર ઊંચા વ્યાજે નાણાં આપી બળજબરીથી પઠાણી ઉઘરાણી કરતા રમેશભાઈ દાનાભાઈ વાઘમશી (રહે. જમનાવડ, તા. ધોરાજી) વિરુદ્ધ ધોરાજી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આંગણે આવી ધમકી આપનાર આરોપી સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ 308(5), 351(3) તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ફરિયાદી રાજકુમાર વૈષ્ણવે પોલીસમાં આપેલી માહિતી મુજબ, તેમને ધંધાકીય કામકાજ અર્થે નાણાંની જરૂૂરિયાત ઊભી થતાં તેમણે પરિચિત રમેશભાઈ વાઘમશી પાસેથી બે તબક્કામાં કુલ રૂૂ. 10,00,000 વ્યાજે લીધા હતા. જેમા પ્રથમ તા. 06/01/2026 ના રોજ રૂૂ. 5,00,000 અને બાદમાં તા. 09/02/2026 ના રોજ રૂૂ. 5,00,000 મેળવ્યા હતા. આરોપી રમેશ વાઘમશીએ નાણાં ધીરધારનું લાયસન્સ ન હોવા છતાં માસિક 10 ટકા જેવા ઊંચા વ્યાજે રકમ આપી હતી અને એડવાન્સમાં પ્રથમ મહિનાનું વ્યાજ કાપીને બાકીની રકમ બેંક ખાતામાં આર.ટી.જી.એસ. મારફતે જમા કરી હતી. સાથોસાથ સુરક્ષા ગેરંટી પેટે ફરિયાદી તેમજ તેના જામીનદાર મિત્રના સહીવાળા કોરા ચેકો પણ પડાવી લીધા હતા.

ફરિયાદીએ ટૂંકા સમયગાળા દરમિયાન પોતાના બેંક ખાતા તેમજ રોકડ મારફતે કટકે-કટકે કુલ રૂૂ. 12,50,000 જેટલી માતબર રકમ ફક્ત વ્યાજ પેટે ચૂકવી આપી હતી. આટલી મોટી રકમ વ્યાજમાં આપ્યા બાદ ફરિયાદીની આર્થિક સ્થિતિ કફોડી બનતાં તેમણે વધુ વ્યાજ આપવાની અસમર્થતા દર્શાવી હતી. આથી ઉશ્કેરાયેલા આરોપી રમેશ વાઘમશીએ મુદ્દલ અને વ્યાજ મળીને કુલ રૂૂ. 24,00,000 ની માંગણી કરી પઠાણી ઉઘરાણી શરૂૂ કરી દીધી હતી. જો પૈસા નહીં આપે તો સહી વાળા કોરા ચેક બેંકમાં જમા કરાવી ચેક બાઉન્સના કેસ કરવાની અને ફરિયાદીના મકાન પર બળજબરીથી કબજો કરી લેવાની ધમકીઓ આપવાનું શરૂૂ કર્યું હતું.
વ્યાજખોરનો ત્રાસ એટલેથી ન અટકતાં, આરોપી અવારનવાર ફરિયાદીની ઓફિસે પહોંચી જઈ તથા ફોન પર ગાળો આપી છરીના ઘોદા મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો.

તાજેતરમાં ફરિયાદી નોકરી પર હતા ત્યારે કચેરીએ પહોંચી બહાર બોલાવવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં શહેરના બ્લુ સ્ટાર સિનેમા પાસે બોલાવી પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સતત મળતી ધમકીઓ અને પઠાણી ઉઘરાણીથી કંટાળીને અને માનસિક ત્રાસ ભોગવતા ફરિયાદીએ અંતે ધોરાજી સીટી પોલીસનો સંપર્ક કરી ન્યાયની ગુહાર લગાવી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી પીએસઆઈ એ.બી. કાકડિયા દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.