ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચારનો મોટો ખુલાસો થયો છે, જ્યાં પ્રોપર્ટી કાર્ડના કામ માટે લાંચ લેતા નાયબ મામલતદાર અને એક નિવૃત પટાવાળાને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ઘટનાથી સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.મળતી માહિતી મુજબ, ગાંધીનગરની કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર અને તેમના સાગરિત તરીકે કામ કરતા નિવૃત પટાવાળા સામે એન્ટી કરપ્શન બ્યુરોએ લાલ આંખ કરી છે.
વિગતો મુજબ, ગાંધીનગર કોર્ટના પાર્કિંગ પાસે એક આયોજિત ટ્રેપ દરમિયાન એસીબીએ રૂૂપિયા 4,50,000ની લાંચ સ્વીકારતા નાયબ મામલતદાર બિપીનચંદ્ર ખેમચંદભાઇ પરમાર અને નિવૃત પટાવાળા દિનેશ બુધાલાલ વાળંદને દબોચી લીધા છે. આ કામના ફરિયાદીના સાક્ષીના મકાનનું પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે કલેક્ટર કચેરીની જમીન ફાળવણી શાખામાં અરજી કરવામાં આવી હતી. આ પ્રોપર્ટી કાર્ડ કાઢવામાં અનુકૂળ અભિપ્રાય આપવા અને કાગળોમાં કોઈ ક્ષતિ ન કાઢવા માટે આરોપીઓએ કુલ રૂૂપિયા 9,50,000ની માતબર લાંચની માંગણી કરી હતી.
લાંચની આ માંગણી પૈકી પ્રથમ હપ્તા તરીકે રૂૂપિયા સાડા ચાર લાખ આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી આ લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક સાધ્યો હતો. એસીબીના અધિકારીઓએ સતર્કતા દાખવીને છટકું ગોઠવ્યું હતું. 17 એપ્રિલ 2026ના રોજ ગાંધીનગર કોર્ટના પાર્કિંગ પાસે ફરિયાદીની ગાડીમાં જ્યારે લાંચના નાણાંની લેવડદેવડ થઈ રહી હતી, ત્યારે જ એસીબીએ ત્રાટકીને બંને આરોપીઓને રંગેહાથ પકડી લીધા હતા. આરોપી નાયબ મામલતદારના કહેવાથી નિવૃત પટાવાળાએ નાણાં સ્વીકાર્યા હોવાનું સામે આવ્યું છે. એસીબીએ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી છે અને બંને કર્મચારીઓ વિરુદ્ધ ગુનાહિત ગેરવર્તણૂકનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાટનગર ગાંધીનગરમાં કલેક્ટર કચેરીના જ અધિકારી પકડાતા અન્ય લાંચિયા બાબુઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

