જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારના અતિ જર્જરિત ગીતા લોજ બિલ્ડિંગનું ડિમોલિશન

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણ બત્તી જુના રેલવે સ્ટેશન પાસે આવેલી જોખમી અને જર્જરિત ગીતાલોજ બિલ્ડિંગને રવિવારે ભારે મશીનરીની મદદથી તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં…

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણ બત્તી જુના રેલવે સ્ટેશન પાસે આવેલી જોખમી અને જર્જરિત ગીતાલોજ બિલ્ડિંગને રવિવારે ભારે મશીનરીની મદદથી તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રવિવારના દિવસે લોકો અને વાહનોની અવરજવર ઓછી હોવાથી સમગ્ર વિસ્તારને સુરક્ષાની દૃષ્ટિએ કોર્ડન કરીને દિવસભર ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી.

આ કામગીરી માટે હિટાચી મશીન, જેસીબી, ટ્રેક્ટરો સહિતની ભારે મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, ફાયર શાખા, ટાઉન પ્લાનિંગ શાખા, લાઇટ શાખા સહિત વિવિધ વિભાગોના ત્રીસથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ સમગ્ર કામગીરી દરમિયાન સતત ખડેપગે રહ્યા હતા. સુરક્ષા વ્યવસ્થાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તબક્કાવાર રીતે બિલ્ડિંગનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું.
અગાઉ આ જ બિલ્ડિંગને મેન્યુઅલ રીતે તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, અકસ્માતનો ભય ઊભો થતાં અને અગાઉની અન્ય કસ્ટમ વાળા જુના બિલ્ડીંગ ની પાડતોડ ની કામગીરી દરમિયાન ત્રણ શ્રમિકો ઈજાગ્રસ્ત બન્યા બાદ સલામતીના કારણોસર તે કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ તંત્રએ ભારે મશીનરીની મદદથી નિયંત્રિત રીતે બિલ્ડિંગ તોડી પાડવાનો નિર્ણય લીધો હતો.

રવિવારે વહેલી સવારથી શરૂ થયેલી કાર્યવાહી સાંજ સુધી સતત ચાલુ રહી હતી. સમગ્ર દિવસ દરમિયાન બિલ્ડિંગના જોખમી ભાગોને સંપૂર્ણપણે દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ જાહેર જનતાની સલામતીને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે, અને શહેરમાં જોખમી જાહેર કરાયેલી અન્ય જર્જરિત ઇમારતો સામે પણ નિયમ મુજબની કાર્યવાહી આગળ વધારવામાં આવશે.