પોરબંદરના માધવપુર દરિયાકિનારે ગઇકાલે એક પરિવારમાં ખુશીની પળો માતમમાં ફેરવાઈ હોવાનો એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. રાજધાની દિલ્હીથી ગુજરાત પ્રવાસે આવેલા દંપતી પૈકી પત્નીનું દરિયાના ઊંચા મોજામાં તણાઈ જવાથી ડૂબી જતાં મોત નીપજ્યું છે, જ્યારે પત્નીને બચાવવા જતાં પતિની હાલત પણ ગંભીર બની ગઈ છે.
મળતી વિગતો અનુસાર, દિલ્હીના વતની અંજલીબેન શર્મા અને તેમના પતિ હરિમોહન શર્મા માધવપુરના દરિયાકિનારે ફરવા માટે આવ્યા હતા. દરિયાના મનોહર દ્રશ્યો વચ્ચે આ દંપતી પાણીની મજા માણવા માટે દરિયાકિનારે ઊભું હતું અને પાણીમાં પગ બોળી રહ્યું હતું. ત્યારે અચાનક જ દરિયામાં ઉછળેલા એક ભયાનક મોજાએ અંજલીબેનને પોતાના પ્રવાહમાં ખેંચી લીધા હતા.
પત્નીને આંખની સામે જ દરિયાના ઊંડા પાણીમાં તણાતી જોઈને પતિ હરિમોહન શર્માએ સહેજ પણ વિચાર કર્યા વગર પત્નીને બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવી હતી. જોકે, દરિયાનો પ્રવાહ અને મોજાનો વેગ એટલો તીવ્ર હતો કે હરિમોહનભાઈ પણ પાણીની અંદર ગરકાવ થવા લાગ્યા હતા.
ઘટના બનતાં જ આસપાસમાં હાજર સ્થાનિક સાહસિક યુવકો અને અન્ય યાત્રાળુઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક યુવાનોએ જીવના જોખમે દરિયામાં કૂદીને ભારે જહેમત બાદ બંનેને બહાર કાઢ્યા હતા. પરંતુ કમનસીબે, અંજલીબેન શર્માએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. જ્યારે ગંભીર હાલતમાં રહેલા તેમના પતિ હરિમોહન શર્માને ત્વરિત ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
