શહેરમા કોઠારીયા રોડ પર હુડકો કબર્ટરમાં રહેતા આધેડ રજપૂતપરામાં પોતાના ગેરેજમાં હતા ત્યારે વધુ પડતો દારૂૂ પી લેતા મોત નીપજયુ હતું. આધેડના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર આવેલા હુડકો ક્વાર્ટરમાં રહેતા ઘનશ્યામભાઈ નવનીતભાઈ ચાવડા નામના 52 વર્ષના આધેડ ગઈકાલે સાંજના છએક વાગ્યાના અરસામાં રજપુતપરામાં પોતાના ઓટો ગેરેજે હતા ત્યારે વધુ પડતો દારૂૂ પી લેતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે ઘનશ્યામભાઈ ચાવડાને જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ ઉપરાંત અને બીજા બનાવમાં ભગવતીપરામાં રહેતી કોમલબેન વિપુલભાઈ બેરડીયા નામની 27 વર્ષની પરિણીતા સવારના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે ઘરકંકાશથી કંટાળી ગળેફાંસો ખાય આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં કોમલબેનના પતિ વિપુલભાઈ બેરડીયા રેલવેમાં ફરજ બજાવે છે અને તેમને સંતાનમાં બે પુત્ર છે કોમલબેન બેરડીયાએ ગૃહકલેશથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
