દરેક જીલ્લામાં નશામુક્તિ-કાઉન્સેલિંગ કેન્દ્રો શરૂ કરાશે

નશાના દૂષણ સામે વધુ વ્યાપક અને અસરકારક લડાઈ લડવા માટે ગુજરાત સરકાર નવી એન્ટિ-નાર્કોટિક્સ પોલિસી તૈયાર કરી રહી છે. આ નીતિમાં ડ્રગ્સ નેટવર્ક સામે કડક…

નશાના દૂષણ સામે વધુ વ્યાપક અને અસરકારક લડાઈ લડવા માટે ગુજરાત સરકાર નવી એન્ટિ-નાર્કોટિક્સ પોલિસી તૈયાર કરી રહી છે. આ નીતિમાં ડ્રગ્સ નેટવર્ક સામે કડક કાર્યવાહીની સાથે વ્યસનીઓ અને તેમના પરિવારો માટે સારવાર, કાઉન્સેલિંગ અને પુનર્વસનની સુવિધાઓને જોડવામાં આવશે. પ્રસ્તાવિત નીતિ હેઠળ રાજ્યના દરેક જિલ્લામાં નશામુક્તિ અને કાઉન્સેલિંગ કેન્દ્રો શરૂૂ કરવામાં આવશે, જ્યારે મોટા શહેરોમાં એક કરતાં વધુ કેન્દ્રો સ્થાપવાની સંભાવના છે.

આ પહેલ માટે 2026-27ના રાજ્ય બજેટમાં અલગથી નાણાકીય જોગવાઈ કરવામાં આવે તેવી શક્યતા છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ આ સમગ્ર યોજનાનું સંકલન કરશે. તેની સાથે આરોગ્ય અને શિક્ષણ વિભાગ સહિતની અન્ય એજન્સીઓને તબીબી સારવાર, જાગૃતિ અભિયાન, પુનર્વસન કાર્યક્રમો અને જનસંપર્ક માટે જોડવામાં આવશે.

ડ્રગ પેડલરોના પરિવારજનો પર ખાસ ધ્યાન પ્રસ્તાવિત અભિયાનનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો પરિવારો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. ડ્રગ્સના વેચાણ કે હેરફેરમાં પકડાયેલા આરોપીઓના પરિવારના સભ્યો માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે કાઉન્સેલિંગ અને પુનર્વસન પહેલની યોજના બનાવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ પરિવારના સંવેદનશીલ સભ્યોને નાર્કોટિક્સના કારોબારમાં ધકેલાતા અટકાવવાનો છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવી રણનીતિ બહુસ્તરીય રહેશે જેમાં કડક પોલીસ કાર્યવાહી દ્વારા સપ્લાય ચેઇન તોડવી. નશામુક્તિ કેન્દ્રો દ્વારા વ્યસનની માંગ ઓછી કરવી. કાઉન્સેલિંગ, જાગૃતિ અને કૌટુંબિક આધાર દ્વારા ફરી વ્યસન તરફ વળતા રોકવા.

કેન્દ્રના નિર્દેશ અને ચિંતન શિબિર બાદ કવાયત નાર્કોટિક્સના ઉપયોગ સામે કાર્યવાહી વધુ સઘન બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને અપાયેલા નિર્દેશ બાદ આ કવાયત હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર સરકારે યોજેલી મંથન બેઠક પછી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે સંકલિત રોડમેપ તૈયાર કરવા માટે ચિંતન શિબિર યોજી હતી.

તપાસ તંત્ર અને ’1033’ હેલ્પલાઈન મજબૂત કરાશે આ ઝુંબેશના અમલીકરણ તંત્રને પણ અપગ્રેડ કરવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “નાર્કોટિક્સ સંબંધિત કેસોની તપાસ માટે તાલીમબદ્ધ માનવબળની અછત છે. આવા કેસો સંભાળવા માટે રાજ્ય સરકાર પોલીસ કર્મચારીઓની વધારાની નિમણૂકો કરશે.” ડ્રગ્સ સંબંધિત ગુનાઓની તપાસ માટે જરૂૂરી ખાસ સાધનો અને ગેજેટ્સ માટે પણ બજેટ ફાળવણી થવાની શક્યતા છે. આ ઉપરાંત, નાગરિકો ડ્રગ્સના વેચાણ અંગે જાણ કરી શકે તેવી ’1033’ હેલ્પલાઈનને વધુ મજબૂત બનાવવા માટે તેના પર વધારાનો સ્ટાફ તૈનાત કરવાનું પણ સરકાર વિચારી રહી છે.