શહેરમાં સતત વરસી રહેલા અવિરત વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સતત વરસતા વરસાદના પરિણામે માર્ગો અને સોસાયટીઓમાં પાણી ભરતા , જેના કારણે જનજીવન પર અસરો જોવા મળી રહી છે. ખાસ કરીને શહેરના કેટલાક મુખ્ય વાહનવ્યવહારના માર્ગો પર આવેલા નાલામાં પાણીનું સ્તર ભયજનક રીતે વધી જતાં વાહનવ્યવહાર થંભી ગયો છે ત્યારે વાહનચાલકોની સુરક્ષા માટે આવા નાલા ઉપર પોલીસ બદોબસ્ત ગોઠવી આવા નાલા ઉપરનો વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાએ શહેરમાં વરસાદની સ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું.
વરસાદી પાણીના ભારે પ્રવાહને કારણે શહેરના પોપટપરા નાલામાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે. પાણીના વધતા જતાં સુરક્ષાને ધ્યાને રાખી અને વાહનચાલકોની સલામતીના આગોતરા પગલાંરૂૂપે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ રસ્તેથી થતી તમામ પ્રકારના વાહનવ્યવહારની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. નાલાના બંને છેડે બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું છે જેથી કોઈ વાહનચાલક અજાણતા પણ ભરાયેલા પાણીમાં પ્રવેશ ન કરે તે માટે સ્થળ પર પોલીસ કર્મચારીઓને ખડેપગે તૈનાત રહીને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
શહેરમાં વરસાદની સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા શહેરના નાગરિકો અને વાહનચાલકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ પાણી ભરેલા નાલા કે ભયજનક રસ્તા ઉપરથી પસાર થવાનું ટાળે અને તંત્ર દ્વારા સૂચવવામાં આવેલા અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરે. વધુમાં, અતિ આવશ્યક કામ સિવાય ભરાયેલા પાણી વાળા વિસ્તારો કે નાલા નજીક ન જવાની અને સંપૂર્ણ સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવી છે. તંત્ર દ્વારા સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી નાગરિકોને સહયોગ આપવા વિનંતી કરાઈ છે.
