ગુજરાત
ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોર્ડસમાં નામ નોંધાવતો રાજકોટનો 12 વર્ષનો બાળક દધ્યંગ કાકડિયા
માત્ર 1 મિનિટમાં 75 ગુણાકારના દાખલા ગણીને ગણિતની દુનિયામાં મેળવી નોંધપાત્ર સિદ્ધિ
બાળકોમાં અદભુત શક્તિઓ રહેલી હોય છે, બસ જરૂૂર છે તેમનામાં રહેલી આ શક્તિઓને ઉજાગર કરવાની. માતા-પિતા બાળકોમાં વિશ્વાસ મૂકે, પૂરતી તક અને પ્રોત્સાહન આપે તો બાળકો તેમના મનગમતા ક્ષેત્રમાં વિકાસ કરી શકે છે, જેનું ઉત્તમ દ્રષ્ટાંત છે દધ્યંગ કાકડીયા. જેણે માત્ર 1 જ મિનિટમાં 75 ગુણાકારના દાખલા ગણીને ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે તેમજ પરિવાર તથા રાજકોટ જિલ્લાનું નામ રોશન કર્યું છે.હાલ રાજકોટના રહેવાસી અને મૂળ કુવાડવા ગામના વતની શ્રી દિલીપભાઇ કાકડીયા ગૌરવ સાથે જણાવે છે કે, મારા પુત્ર દધ્યંગની કાબેલિયતને કારણે હવે મને નવી ઓળખ મળી છે. ગણિતની દુનિયાની આ નોંધપાત્ર સિદ્ધિ મેળવવા માટે તે છેલ્લા 16 મહિનાથી રોજની 2થી 3 કલાક તૈયારી કરતો હતો.
સામાન્ય રીતે, કોઈપણ સ્પર્ધામાં માતા-પિતા બાળકને વિજેતા બનાવવા માટે જ ભાગ લેવડાવતાં હોય છે. પરંતુ અમે કોઈપણ પ્રકારની અપેક્ષા વગર સતત ત્રણ વર્ષ બાળક માટે પૂરતો સમય ફાળવ્યો હતો. ગોંડલના પરફેક્ટ કલાસીસના માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરાએ તેને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
શિક્ષણ ક્ષેત્રે માર્ગદર્શક તરીકે કાર્યરત ડો. દીપક મશરૂૂ દ્વારા ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોર્ડસના સર્ટિફિકેટ અને મેડલથી દધ્યંગનું સન્માન કરવામાં આવ્યું હતું. તે હાલ ધો. 7માં ગુજરાતી માધ્યમમાં ભણે છે. તેણે મલેશિયા ખાતે યુસીમાસની મેન્ટલ એરિથમેટિક આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને દ્વિતીય ક્રમ મેળવ્યો હતો.
આમ, ટેક્નોલોજીના યુગમાં જ્યારે મોટાભાગનાં બાળકો અભ્યાસમાં પણ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા લાગ્યાં છે. ત્યારે આ બાળકે માનવમગજની અદભુત ક્ષમતાઓનો ઉપયોગ કરીને સાબિત કર્યું છે કે માનવી કંઈક વિશેષ કરવાનું ધારે તો તેના માટે કંઈ અશક્ય નથી. ત્યારે આજે સૌ કોઈ આ ભૂલકાને અભિનંદન પાઠવી રહ્યા છે.