હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ-ધૂમાડા નિકળતા કુતુહલ

થોડા સમય પહેલા મોરબી તાલુકાના વીરપરડા ગામ પાસે કુવામાં રહેલું પાણી દરિયાના મોજાની જેમ હાલકડોલક થતું હતું ત્યારબાદ હવે હળવદ તાલુકાના માનગઢ ગામે રહેણાંક વિસ્તારમાં…

થોડા સમય પહેલા મોરબી તાલુકાના વીરપરડા ગામ પાસે કુવામાં રહેલું પાણી દરિયાના મોજાની જેમ હાલકડોલક થતું હતું ત્યારબાદ હવે હળવદ તાલુકાના માનગઢ ગામે રહેણાંક વિસ્તારમાં જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળી રહ્યા છે જેથી લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે જોકે, આ અંગેની ગ્રામજન દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા તલાટી મંત્રી સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તેઓએ સ્થળ તપાસ બાદ ટીડીઓ સહિત સબંધીત વિભાગના અધિકારીઓને આ અંગેની જાણ કરી છે અને હાલમાં ભૂસ્તર વિભાગ તેમજ જીપીસીબીના અધિકારીઓની ટીમ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

હળવદના માનગઢ ગામે રહેતા જલ્પેશભાઈ રતિલાલભાઈ પટેલના રહેણાંક મકાન અને ત્યાં આવેલા ઇલેક્ટ્રીક વીજપોલની નીચેના ભાગમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા હતા જેથી આ અંગેની તેઓએ તાત્કાલિક ગામના તલાટી મંત્રી તથા મામલતદાર સહિતનાઓને જાણ કરી હતી અને આ બનાવની ગામના લોકોને જાણ થતા ગામના લોકો પણ ઘટના પહોંચ્યા હતા અને ત્યાં સ્થળ ઉપર જ્યાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા હતા તે જગ્યાએ જમીન ગરમ જોવા મળતી હતી જેથી લોકોમાં ભારે કુતુલ જોવા મળ્યું હતું.

આ બનાવની જાણ થતા સ્થળ ઉપર પહોંચેલા તલાટી મંત્રી દિપકભાઈ હડિયલ પાસેથી મળતી વિગત પ્રમાણે જલ્પેશભાઈ પટેલના રહેણાંક મકાન પાસેથી ગરમ વરાળ જેવા ધુમાડા જમીનની નીચેથી નીકળતા હોય તેવું જોવા મળ્યું હતું જેથી તેઓએ આ અંગેની ટીડીઓને જાણ કરી છે તથા સંબંધી વિભાગને જાણ કરી હતી જેથી ભૂસ્તર વિભાગ અને જીપીસીબીના અધિકારીઓ દ્વારા આગળની તપાસ કરવી હાથ ધરવામાં આવી છે. જોકે, જમીનની નીચેથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળે છે અને જમીન પણ ગરમ થઈ ગઈ છે જેથી જમીનમાંથી ગેસ નીકળે છે કે પછી ગરમ વરાળ નીકળે છે તે તપાસનો વિષય બનેલ છે. જ્યારે બીજી બાજુ તંત્ર ધંધે લાગ્યું છે અને સેમ્પલિંગ લેવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે.