ક્રૂડના ભાવ ફરી 92 ડોલરને પાર, શેરબજારમાં કડાકો

અમેરિકા અને ઈરાન વચ્ચે થઈ રહેલા હુમલા અને હોર્મુઝ સ્ટ્રેઈટની સાથે સાથે અન્ય માર્ગ લાલ સમુદ્ર દરિયાઈ માર્ગને પણ અવરોધવામાં આવે તેવી સંભાવના વચ્ચે ક્રૂડના…

અમેરિકા અને ઈરાન વચ્ચે થઈ રહેલા હુમલા અને હોર્મુઝ સ્ટ્રેઈટની સાથે સાથે અન્ય માર્ગ લાલ સમુદ્ર દરિયાઈ માર્ગને પણ અવરોધવામાં આવે તેવી સંભાવના વચ્ચે ક્રૂડના ભાવમાં ફરી ભડકો થયો છે. આજે ક્રૂડ વધીને 92 ડોલરની સપાટીએ પહોંચી જતા ભારતીય શેરબજાર નબળા દેખાવ સાથે ખુલ્યું હતું.

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવને કારણે સ્થાનિક બજારની શરૂૂઆતના વેપારમાં જ સેન્સેક્સ આશરે 600 પોઈન્ટ ઘટી જતા સેન્સેક્સ 77,000ની અંદર સરકી ગયો હતો. નિફ્ટી પણ 24,000ની અંદર જોવા મળ્યો. ફાર્માસ્યુટિકલ શેરોએ સૌથી નોંધપાત્ર દબાણનો સામનો કરવો પડ્યો, જેમાં નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ લગભગ 1 ટકા ઘટ્યો છે.આ ઘટાડો યુએસ દ્વારા સંભવિત ટેરિફ વધારા અંગેની ચિંતાઓને આભારી છે.યુએસ-ઈરાન તણાવ વધવાને કારણે ક્રૂડ તેલના ભાવમાં વધારો ચાલુ છે. જુલાઈ વાયદા 1.7 ટકા વધીને 92.54 પ્રતિ બેરલ પર પહોંચ્યા છે. અમેરિકી ક્રૂડ ઓઇલ પણ 90 ડોલર પહોંચી ગયું છે.

ક્રુડ વધારાને કારણ આવનારા દિવસોમાં ભારતમાં પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 2થી5 રૂપિયાનો વધારો આવે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. આજે અમેરિકા દ્વારા ફાર્મા કંપની ની દવા પર ટેરિફની જાહેરાતના પગલે તમામ દવા બનાવતી કંપનીના ભાવ તૂટી ગયા છે. સેન્સેક્સમાં 2123 શેર લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે. જ્યારે માત્ર 705 શેર ગ્રીન ઝોનમાં જોવા મળી રહ્યા છે. બેંક નિફ્ટી પણ 650 અંક નીચે જોવા મળી છે. બંધન બેંક તેમજ એચડીએફસી બેન્ક સહિતના બેંકના શેરમાં ગાબડા પડ્યા છે.

આજે બજારમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે સૌથી વધુ દબાણ કર્યું છે. ટ્રમ્પ દ્વારા તેમની નીતિમાં જેનેરિક દવાઓનો સમાવેશ કર્યા પછી આ ક્ષેત્રની કંપનીઓને મોટો ઝટકો લાગ્યો હતો, જેના કારણે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 1% થી વધુ ઘટ્યો હતો. દરમિયાન, ભારતીય બજારમાં IT કંપનીઓ પર દબાણ જોવા મળ્યું હતું – AI-સંબંધિત શેરોમાં તેજીને કારણે – જેના કારણે નિફ્ટી IT ઇન્ડેક્સ 1% થી વધુ ઘટ્યો હતો.

જોકે વોલ સ્ટ્રીટ પર મજબૂત વધારાને પગલે, મોટાભાગના એશિયન બજારો લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા છે. જાપાનનો નિક્કી 225 લગભગ 1.93 ટકા વધ્યો, અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 6.01 ટકા વધ્યો. મંગળવારે યુએસ બજારો પણ વધારા સાથે બંધ થયા હતા, જેમાં ડાઉ જોન્સ, SP 500 અને નાસ્ડેક બધા ઉપર બંધ થયા હતા.

સોના-ચાંદીમાં તેજી પાછી ફરી
એક બાજુ શેર બજાર નીચે જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ સોના ચાંદીમાં તેજી જોવા મળી રહી છે છેલ્લા પાંચ દિવસના સોના અને ચાંદીમાં સારો વધારો થયો છે. આજે પણ સોનામાં 1500 રૂૂપિયા વધતા વાયદા બજારમાં સોનાનો ભાવ 1,44,380 પર અને રાજકોટની બજારમાં સોનાનો હાજર ભાવ 1,49,355 જોવા મળી રહ્યો છે.ચાંદીમાં ગઈકાલે 5500 વધ્યા બાદ આજે વધુ 2500 નો વધારો નોંધાતા વાયદા બજારમાં ચાંદીનો ભાવ 2,25,904 પર જોવા મળી રહ્યો છે જ્યારે રાજકોટમાં હાજર ભાવ 2,34,890 જોવા મળી રહ્યા છે.