તહેવારો દરમિયાન યાત્રાધામ દ્વારકામાં ચિક્કાર ભીડ

શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિમાં ભગવાન રામચંદ્રનો અયોધ્યામાં ગાદી સંભાળ્યાના દિન તથા પ્રકાશના પર્વ તરીકે ઓળખાતા દિપાવલી તેમજ નૂતન વર્ષ અને ભાઈબીજની પરંપરાગત રીતે હર્ષોલ્લાસ અને ધાર્મિક…

શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિમાં ભગવાન રામચંદ્રનો અયોધ્યામાં ગાદી સંભાળ્યાના દિન તથા પ્રકાશના પર્વ તરીકે ઓળખાતા દિપાવલી તેમજ નૂતન વર્ષ અને ભાઈબીજની પરંપરાગત રીતે હર્ષોલ્લાસ અને ધાર્મિક રીત રસમ સાથે ઊજવણી કરવામાં આવી હતી. દિપાવલીના દિવસે જગતમંદિરમાં યોજાયેલ હાટડી દર્શન તથા બીજા દિવસે યોજાયેલ અન્નકુટ ઉત્સવ મનોરથનો ભાવિકોએ લાભ લીધો હતો. દિપાવલી પર્વ નિમિતે રાજાધિરાજને અલૌકિક વસ્ત્ર પરિધાન, સુવર્ણ – ચાંદી તથા અન્ય ઉચ્ચધાતુઓના અલંકારો તથા ઝવેરાતોનો દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. આ અલૌકિક દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભાવિકોને થયો હતો.

દિપાવલી પર્વ નિમિત્તે દ્વારકાધીશ જગતમંદિરને વિશેષ લાઈટીંગ ડેકોરેશન રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું હોય રાત્રિના સમયે જગતમંદિરની ત્રિજયામાં દસ દસ કિમી સુધી દૂરથી ઝળહળતાં જગતમંદિરનો નઝારો જોવા મળ્યો હતો.શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિ દ્વારકામાં હાલમાં ચાલી રહેલાં દિવાળીના મીની વેકેશનમાં દિવાળી સુધીના શરૂૂઆતના દિવસોમાં યાત્રાળુંઓના પ્રવાહમાં મંદી જોવાયા બાદ નવવર્ષથી શરૂૂ થયેલ ગુજરાતભરના ટુરીસ્ટને લીધે સમગ્ર દ્વારકાનગરીમાં આવેલાં હોટલ ધર્મશાળા ગેસ્ટહાઉસ ભવનો હાઉસફુલ જોવા મળ્યા હતા.

ઓખા દ્વારકા જામનગર હાઈવે રોડ પર પાંચ કિમી સુધી વાહનોની કતારો પણ જોવા મળી હતી. તહેવારોના દિવસોમાં વ્યાપક ટુરીસ્ટને લીધે ટ્રાફીક સમસ્યા સમાન બનતી જોવા મળી હતી.દિપાવલી તહેવારો તેમજ નવવર્ષના શ્રીજીના વિશેષ શૃંગાર તેમજ ભાઈબીજના દિવસે ગોમતી સ્નાન કરવા હજારો ભાવિકો ઉમટી પડયા હતા. જગતમંદિર સંલગ્ન મંદિર ચોક, પૂર્વ દરવાજા નીલકંઠ ચોક જેવા વિસ્તારો તેમજ ગોમતી ઘાટ, સુદામા સેતુ, રીલાયન્સ માર્ગ, જોધા માણેક રોડ, તીનબતી ચોક, ભદ્રકાલી ચોક, જવાહર રોડ જેવા ભરચકક વિસ્તારોમાં સવિશેષ ભીડભાડ જોવા મળી રહી છે.

ગોમતી ભાઈબીજના દિવસે નદીમાં સ્નાનનું સવિશેષ મહત્વ હોય હજારો ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. સાંજે માં ગોમતીની મહાઆરતી પણ કરવામાં આવી હતી. તેમજ ચુંદડી મનોરથ પણ આવ્યો હતો. યોજવામાં ભાઈબીજના દિવસે જ સાંજે પરંપરાગત રીતે સ્થાનીય મહિલાઓ કુમારીકાઓ દ્વારા પવિત્ર ગોમતી નદીમાં દિવડાઓની હારમાળા તરતી મૂકવામાં આવી હતી. રાત્રિના સમયે દિવડાઓના પ્રકાશમાં ગોમતી નદી તથા ઝળહળતાં દ્વારકાધીશ મંદિરનો દિવ્ય નજારો ભાવિકોને મળ્યો હતો.