Site icon Gujarat Mirror

દેશના 127 મહિલા ધારાસભ્યો સાંસદો સામે ફોજદારી કેસો

ભારતીય રાજકારણમાં મહિલાઓની ભાગીદારીને લઈને એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ રિપોર્ટ મુજબ, ભારતમાં મહિલા ઉમેદવારો અને પ્રતિનિધિઓની સંખ્યા હજુ પણ ખૂબ જ ઓછી છે. રિપોર્ટ અનુસાર દેશભરમાં વર્તમાન લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડનારા કુલ 51,708 ઉમેદવારોમાંથી માત્ર 5,095 એટલે કે માત્ર 10 ટકા મહિલાઓ છે. આ આંકડો દર્શાવે છે કે મહિલા સશક્તિકરણના દાવાઓ વચ્ચે પણ રાજકારણમાં સ્ત્રીઓને પૂરતી તક કે પ્રોત્સાહન મળતું નથી.

લોકસભા ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો સ્ત્રી પ્રતિનિધિત્વની વાસ્તવિકતા અત્યંત ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. કુલ 8,360 જેટલા ઉમેદવારોમાંથી માત્ર 800 એટલે કે 9.6 ટકા જ મહિલા ઉમેદવારો મેદાનમાં હતી. જો સમગ્ર દેશના 4,666 સાંસદો અને ધારાસભ્યોની વાત કરીએ તો તેમાંથી માત્ર 464 મહિલાઓ છે, જે કુલ સંખ્યાના માંડ 10 ટકા જેટલો જ હિસ્સો ધરાવે છે. મહિલા પ્રતિનિધિઓના ગુનાહિત ઇતિહાસ અને આર્થિક સધ્ધરતા અંગેના આંકડા પણ સામે આવ્યા છે.

કુલ 476 મહિલા સાંસદો અને ધારાસભ્યોમાંથી 127 (27%) સામે ફોજદારી કેસો ચાલી રહ્યા છે, જેમાંથી 68 (14%) સામે તો ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. સંપત્તિના મામલે પણ આ મહિલાઓ પાછળ નથી, કારણ કે તેમાંથી 14 (3%) મહિલા પ્રતિનિધિઓ અબજોપતિ હોવાનું બહાર આવ્યું છે.
જોકે, આ બધા વચ્ચે એક સકારાત્મક અને રાહતરૂૂપ પાસું એ છે કે, 70% મહિલા સાંસદો અને ધારાસભ્યો ગ્રેજ્યુએટ કે તેથી વધુ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે.

Exit mobile version