ગોંડલમાં જાહેરનામાના ભંગ બદલ હોટલ, ગેસ્ટ હાઉસ અને ભંગારના ડેલાના સંચાલકો સામે ગુના દાખલ

રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. (સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ)ની ટીમ દ્વારા ગોંડલ શહેર અને તાલુકા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી અટકાવવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં…

રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. (સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ)ની ટીમ દ્વારા ગોંડલ શહેર અને તાલુકા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી અટકાવવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો સરેઆમ ભંગ કરતા હોટલ, ગેસ્ટ હાઉસ અને ભંગારના ગોડાઉનના સંચાલકો સામે લાલઆંખ કરી અલગ-અલગ 4 એફ.આઈ.આર. (FIR) નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જામવાડી જી.આઈ.ડી.સી.માં સિયારામ વે બ્રિજની સામે આવેલા ’નુરી સ્ક્રેપ ગોડાઉન’માં એસ.ઓ.જી.ની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન ગોડાઉનના માલિક ઇદરીશભાઈ ફારૂૂખભાઈ શેખા (ઉં.વ. 51, રહે. મોટી બજાર, ખંઢેરી શેરી, ગોંડલ) એ બિહારના શિવહર જિલ્લાની વતની એવી બે પરપ્રાંતીય મહિલા મજૂરો શિલાદેવી અને સીમાદેવી ને છેલ્લા ત્રણેક મહિનાથી કોઈ પણ જાતના આધાર-પુરાવા કે પોલીસ વેરિફિકેશન વિના કામે રાખી હોવાનું સામે આવ્યું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટના શ્રમિકોના પોલીસ વેરિફિકેશન કરાવવાના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગોંડલ સિટી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

એસ.ઓ.જી.ની ટીમે ગોંડલ અલખના ઓટલા પાસે આવેલી હવેલી હોટલમાં તપાસ કરી હતી. હોટલના સંચાલક ભાવિનભાઈ અશોકભાઈ પડીયા (ઉં.વ.29, રહે. ભવનાથ મેઇન રોડ, ગોંડલ) એ મુસાફરો પાસેથી પૂરતા આધાર-પુરાવા લીધા વિના રૂૂમ ભાડે આપ્યા હતા અને ગુજરાત સરકારના ફરજિયાત પથીક (PATHIK) સોફ્ટવેરમાં છેલ્લા 15 દિવસથી કોઈ એન્ટ્રી કરી ન હોવાનું ખુલ્યું હતું. આ બદલ સંચાલક સામે બી.એન.એસ. કલમ 223 અને જી.પી. એક્ટ કલમ 131 હેઠળ ગુનો દાખલ કરાયો છે.

એસઓજી એ બીજી એક રેડમાં ગોંડલ બસ સ્ટેશન પાસે આવેલ ’અમૃત ગેસ્ટ હાઉસ’માં તપાસ કરતા સંચાલક દશરથભાઈ દિલીપભાઈ રાઠોડ (ઉં.વ. 28, રહે. હુડકો સોસાયટી, વોરા કોટડા રોડ, ગોંડલ) હાજર હોય તેમણે ગેસ્ટ હાઉસમાં આવતા ગ્રાહકોની એન્ટ્રી ‘પથીક’ સોફ્ટવેરમાં છેલ્લા 2 મહિનાથી કરી ન હતી. મુસાફરોની સુરક્ષા સંબંધિત જાહેરનામાના ઉલ્લંઘન બદલ ગેસ્ટ હાઉસના સંચાલક સામે ગોંડલ સિટી પોલીસમાં ગુનો નોંધી નોટિસ ફટકારવામાં આવી છે.

ગોંડલ તાલુકાના ભુણાવા ગામના પાટિયા પાસે આવેલી પ્રિયાંશી સ્ક્રેપ નામની ભંગારની દુકાનમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ કરાયું હતું. ચોરી, ધાડ અને લૂંટ જેવા ગુના અટકાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભંગારની દુકાનો કે ગોડાઉનો પર નાઈટ વિઝન અને એચડી સીસીટીવી કેમેરા લગાવવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરી દુકાનમાં કેમેરા ન લગાવવા બદલ સંચાલક રોહિતભાઈ ધીરજભાઈ સોલંકી (ઉં.વ.32, રહે. શેમળા, તા.ગોંડલ) સામે ગોંડલ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

સમગ્ર કામગીરી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ. પારગીની સૂચનાથી એ.એસ.આઈ. વિપુલભાઈ ગુજરાતી, એ.એસ.આઈ. રૂૂપકભાઈ બોહરા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ ડોડીયા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) 2023 ની કલમ 223 હેઠળ ગુના નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.