જેતપુરની ‘આપ’ની મહિલા કાર્યકરના આપઘાતની ઘટનામાં પ્રેમી અને તેની પત્ની-સાસુ સામે નોંધાતો ગુનો

તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેતપુર નગરપાલિકામાં આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી ચૂકેલા 23 વર્ષીય નંદનીબેન બોસમીયાના આપઘાત કેસમાં એક મોટો વળાંક આવ્યો છે.…

તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેતપુર નગરપાલિકામાં આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી ચૂકેલા 23 વર્ષીય નંદનીબેન બોસમીયાના આપઘાત કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. ગત 22 જૂનના રોજ રાજકોટમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરનાર નંદનીને મરવા મજબુર કરવા બદલ જુનાગઢના અસલમ સમા, તેની પત્ની અને સાસુ વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

પત્ની પરત આવતા જ અસલમે મોં ફેરવી લીધું મૃતક નંદનીના પિતા આનંદભાઈ વજુભાઈ બોસમીયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમની મોટી દીકરી નંદની (ઉં.વ. 23) એ નવ મહિના પહેલા જૂનાગઢના અસલમ હુશેનભાઈ સમા સાથે મૈત્રીકરાર કર્યા હતા અને તેઓ જૂનાગઢ તથા રાજકોટમાં સાથે રહેતા હતા. અસલમની પત્ની અગાઉ રિસામણે ગઈ હોવાથી તે નંદની સાથે રહેતો હતો. જોકે, થોડા સમય પહેલાં અસલમની પત્ની પરત આવી જતાં અસલમે રંગ બદલ્યો હતો. તેણે નંદનીને સ્પષ્ટ કહી દીધું હતું કે, “હવે મારી પત્ની આવી ગઈ છે એટલે તારી કોઈ જરૂૂર નથી.” આ કહીને તે નંદનીને શારીરિક-માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો અને તેને પિયર જતી રહેવા દબાણ કરતો હતો.

નંદનીની નાની બહેનને ફોન કરીને ધમકી આપી ફરિયાદમાં જણાવ્યા મુજબ, આજથી ચાર મહિના પહેલાં અસલમની સાસુ (જે ગુડીબેન તરીકે ઓળખાય છે) એ નંદનીની નાની બહેન રૂૂપલને ફોન કરીને ધમકી આપી હતી કે, “નંદનીને કહી દેજે કે અમે તેને અસલમ સાથે જીવવા નહીં દઈએ. અસલમને કંઈ નહીં કરીએ પણ નંદનીની જિંદગી બરબાદ કરી નાખીશું.” જ્યારે અસલમની પત્ની ઝરીના ઉર્ફે ’ભૂકંપ’ નામની મહિલાએ ફોન પર ધમકી આપતાં કહ્યું હતું કે, નંદનીને કહી દેજે કે હું તેને બદસૂરત કરી નાખીશ અને અસલમ સાથે સુખેથી જીવવા નહીં દઉં.સોનાનો ચેઈન ગિરવે મૂક્યો, ગળું દબાવીને માર માર્યો લગ્નજીવનમાં ભંગાણ પડવાની સાથે અસલમે નંદનીનું આર્થિક શોષણ પણ શરૂૂ કર્યું હતું. તેણે નંદનીનો સોનાનો ચેઈન બેંકમાં ગિરવે મૂકીને પૈસા ઉપાડી લીધા હતા.

આપઘાતના આગલા દિવસે એટલે કે 21 જૂનના રોજ અસલમે ફરી પૈસા માંગ્યા હતા. નંદનીએ ના પાડતા નરાધમ અસલમે તેનું ગળું દબાવીને બેરહેમીથી માર માર્યો હતો. ત્રાસથી કંટાળીને નંદની તે રાત્રે તેના મિત્ર ઉમંગ ઉર્ફે રવિ જોશીના ઘરે રોકાઈ હતી અને બીજા દિવસે વતન પરત ફરવાની હતી. બીજા જ દિવસે ફ્લેટમાં ગળેફાંસો ખાધો 22 જૂનના રોજ બપોરે અસલમના માસીના દીકરા સાહિદે નંદનીને ફોન કરીને અસલમ સાથે સમાધાન માટે જંગલેશ્વર ખાતે પોતાના ઘરે બોલાવી હતી.

મિત્ર ઉમંગ તેને ત્યાં મૂકી આવ્યો હતો. આ મુલાકાત બાદ અંત્યત ક્ષોભજનક સ્થિતિમાં મુકાયેલી અને ત્રાસથી ભાંગી પડેલી નંદનીએ રાજકોટ સ્થિત પોતાના ફ્લેટ પર આવીને ગળેફાંસો ખાઈ લીધો હતો. હોસ્પિટલ ખસેડાતા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી તપાસ આદરી પિતા આનંદભાઈની ફરિયાદના આધારે રાજકોટ તાલુકા પોલીસે મુખ્ય આરોપી અસલમ હુશેનભાઈ સમા, તેની પત્ની ઝરીના ઉર્ફે ભૂકંપ અને સાસુ ગુડીબેન વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા (મરવા મજબૂર કરવા) સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ મહિલા ઉમેદવારના આ આપઘાત કેસથી જેતપુર અને રાજકોટના રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.