ચોરવાડમાં રૂા.12.10 કરોડની વેટ ચોરીમાં કેશવ સ્ટિલના માલિક સામે નોંધાતો ગુનો

ચોરવાડ ખાતેના કેશવ સ્ટીલના અમદાવાદ રહેતા માલિક સામે રૂૂપિયા 12.10 કરોડની વેટ ચોરીની ફરિયાદ થતા પોલીસે આર્થિક નુકસાનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વેરાવળ…

ચોરવાડ ખાતેના કેશવ સ્ટીલના અમદાવાદ રહેતા માલિક સામે રૂૂપિયા 12.10 કરોડની વેટ ચોરીની ફરિયાદ થતા પોલીસે આર્થિક નુકસાનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વેરાવળ સ્થિત સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરી ઘટક 87ના વેરા નિરીક્ષક વિરલભાઈ ભાયાભાઈ કળોતરાની ફરિયાદ અનુસાર અમદાવાદના ભૂમિનગર 2, ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા અને ચોરવાડમાં ગડુ રોડ પર સુમનબાગ પાસે કેશવ સ્ટીલના નામે વેપાર કરતા સુનીલ ઉપેન્દ્ર પોદ્દારને સ્ટીલ અને લોખંડના વેપાર માટે 05-01-2009થી કેન્દ્રીય વેચાણ વેરાનો નોંધણી નંબર ઇસ્યુ કરાયો હતો.

શખ્સે વર્ષ 2009 થી 2013ના સમયગાળા દરમિયાન થયેલા વેચાણ પર સરકારમાં જે વેરાની રકમ, વ્યાજ અને દંડ ભરવાનો થતો હતો, તે જાણીબુજીને ભરપાઈ કરવામાં આવ્યો ન હતો. આંકડાકીય વિગત અને તપાસ સરકારી ઓડિટ આકારણી મુજબ, આરોપીએ વેરા પેટે રૂૂપિયા 3,76,65,810, વ્યાજ પેટે રૂૂપિયા 2,43,59,131 અને દંડ પેટે રૂૂપિયા 5,89,78,478 મળી કુલ રૂૂપિયા 12,10,03,418ની રકમની સરકારની તિજોરીમાં ભરપાઈ નહીં કરી વેરો ડુબાડી સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.

વિભાગ દ્વારા અગાઉ આ રકમની વસૂલાત માટે બેંક એકાઉન્ટ ટાંચમાં લેવા, રિકવરી નોટિસ આપવી અને મિલકતની વિગતો મંગાવવા જેવી અનેક પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી, રકમ ભરપાઈ કરાઇ નહોતી. અંતે, રાજ્ય વેરા નિરીક્ષક વિરલભાઈ કળોતરાએ બુધવારે ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે સુનિલ ઉપેન્દ્ર પોદાર વિરુદ્ધ ગુજરાત મૂલ્ય અધિનિયમ 2003ની કલમ 85 (1) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. કેસની તપાસ પીએસઆઇ એસ. આર. સોલંકી ચલાવી રહ્યા છે. સરકારી નાણાંની ઉચાપતના કૌભાંડે સ્થાનિક વેપારી આલમમાં પણ ભારે ચર્ચાઓ જગાવી છે.