ભારતીય ક્રિકેટ અને રાજકારણ સાથે જોડાયેલા બે જાણીતા નામ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રિન્કુ સિંહ અને સમાજવાદી પાર્ટીની સાંસદ પ્રિયા સરોજના લગ્નની તારીખ આખરે નક્કી થઈ ગઈ છે. બંનેના લગ્ન 4 ડિસેમ્બર, 2026ના રોજ લખનૌની રામાડા હોટેલમાં યોજાશે.
રિન્કુ સિંહ અને પ્રિયા સરોજની સગાઈ 8 જૂન, 2025ના રોજ લખનૌની ધ સેન્ટ્રમ હોટેલમાં થઈ હતી. સગાઈ બાદથી જ તેમના લગ્ન ક્યારે થશે તેને લઈને ક્રિકેટ અને રાજકીય વર્તુળોમાં ઉત્સુકતા હતી. શરૂૂઆતમાં લગ્ન જૂન 2026માં યોજાવાના હતા, પરંતુ રિન્કુના પિતા ખાનચંદ સિંહના નિધન બાદ લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા. હવે બંને પરિવારોએ ચર્ચા કરીને ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે.
હાલમાં લગ્નમાં કેટલા મહેમાનો હાજર રહેશે તેની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી. જોકે, બંને પરિવારોમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. રિન્કુ ક્રિકેટ સાથે જોડાયેલા હોવાથી ક્રિકેટ જગતની જાણીતી હસ્તીઓ અને પ્રિયા સરોજ રાજકારણમાં સક્રિય હોવાથી રાજકીય ક્ષેત્રના મહેમાનો પણ લગ્ન સમારોહમાં જોવા મળી શકે તેવી અપેક્ષા છે. સગાઈ સમારોહમાં સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ હાજર રહ્યા હતા. અભિનેત્રી જયા બચ્ચન અને ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમાર સહિતની જાણીતી હસ્તીઓ પણ આ ખાસ પ્રસંગનો ભાગ બની હતી.
