Site icon Gujarat Mirror

ક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારાના સાળા જીત પાબારીએ દુષ્કર્મ કેસમાં ધરપકડથી બચવા કરી આગોતરા જામીન અરજી


ક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારાના સાળા જીત પાબારીએ યુવતીને લગ્નની લાલચ આપી સગાઇ બાદ હવશનો શિકાર બનાવી સગપણ તોડી નાખ્યુ હતુ અને બાદમાં અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. જે અંગે યુવતીએ જીત પાબારી વિરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. જે દુષ્કર્મના ગુનામાં પોલીસ ધરપકડની દહેશતે જીત પાબારીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. જે જામીન ઉપર આગામી 30 મી નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.


આ કેસની હકીકત મુજબ રાજકોટમાં કાલાવાડ રોડ પર નુતનનગરમાં રહેતા ક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારાના સાળા જીત રસીકભાઇ પાબારીએ વર્ષ 2014 માં ફેસબુક મારફતે યુવતીને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી અને બંને સાથે ભણતા હોવાથી બંને વચ્ચે ફ્રેન્ડશીપ થઇ હતી. જે મિત્રતા પ્રેમમાં પરીણમી હતી. બાદમાં જીત પાબારીએ યુવતીને લગ્નની લાલચ આપી ગોળધાણાની વિધી કરી હતી. બાદમાં જીત પાબારી યુવતીને અલગ અલગ સ્થળે લઇ જઇ શરીર સબંધ બાંધ્યો હતો અને બાદમાં અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. આ અંગે છેલ્લા 1પ દિવસથી ફરીયાદ નોંધાવવા પોલીસ મથકે ધકકા ખાતી યુવતીની બે દિવસ પુર્વે જ પોલીસે ફરીયાદ લીધી હતી અને ક્રિકેટર ચેતેશ્ર્વર પુજારાના સાળા જીત પાબારી સામે દુષ્કર્મની ફરીયાદ નોંધી હતી. ફરીયાદ નોંધાતા જીત પાબારીએ પોલીસ ધરપકડની દહેશતે કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. જે જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા તા. 30-11-2024 ના રોજ મુકરર કરી છે.


આ જામીન અરજીમાં આરોપી જીત પાબારી વતી રાજકોટના યુવા એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી રોકાયા છે.

Exit mobile version