NEETના પેપર પછી ચાર્જશીટ પણ લીક થતાં કોર્ટ નારાજ

સીબીઆઇ દ્વારા રજૂ કરાયેલા તહોમતનામામાં સગીર સાક્ષીઓના નામ પણ જાહેર થઇ જતાં જ્જ ચોંક્યા દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET UG પેપર લીક મામલે તપાસ કરી રહેલી…

સીબીઆઇ દ્વારા રજૂ કરાયેલા તહોમતનામામાં સગીર સાક્ષીઓના નામ પણ જાહેર થઇ જતાં જ્જ ચોંક્યા

દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET UG પેપર લીક મામલે તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા અદાલતમાં રજૂ કરવામાં આવેલી ચાર્જશીટની માહિતી અને સાક્ષીઓના નામ મીડિયામાં સામે આવતાં દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટ સ્થિત સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટે ભારે નારાજગી અને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
કોર્ટે આ ઘટનાને ન્યાયિક પ્રક્રિયા માટે મોટો આંચકો ગણાવ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે ગુનાહિત કેસોની ટ્રાયલ કાયદાના દાયરામાં રહીને જ થવી જોઈએ.

રાઉઝ એવેન્યુ કોર્ટના સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટના જજ અજય ગુપ્તાએ આ મામલે સુનાવણી કરતી વખતે ગંભીર વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું કે જે બાબતો હજુ સુધી જાહેર ચર્ચામાં નહોતી આવી અને કેવળ ચાર્જશીટનો જ ભાગ હતી, તે મીડિયા સુધી પહોંચી જવી એ અત્યંત ગંભીર બાબત છે.

જજ ગુપ્તાએ સુનાવણી દરમિયાન મૌખિક ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, આ બાબત મારા માટે ખૂબ જ ચોંકાવનારી અને આંચકાજનક છે. આ અંગે તાત્કાલિક ધોરણે કંઈક પગલાં લેવાની જરૂૂર છે. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે મીડિયા સહિત તમામ સંબંધિત પક્ષકારોની એ નૈતિક અને કાનૂની જવાબદારી છે કે અદાલતી ટ્રાયલ દરમિયાન કોઈ પણ પક્ષ પ્રત્યે પૂર્વગ્રહ કે ભેદભાવ ઊભો ન થાય.

સુનાવણી દરમિયાન CBI તરફથી હાજર રહેલા વકીલે અદાલતનું ધ્યાન દોર્યું હતું કે મીડિયા રિપોર્ટ્સમાં કેસના કેટલાક મહત્વના સાક્ષીઓના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ સાક્ષીઓમાં કેટલાક સગીર (માઇનોર) બાળકો પણ સમાવિષ્ટ છે.

સગીર સાક્ષીઓ અને ગોપનીય માહિતી લીક થવા અંગે અદાલતે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, કાયદા મુજબ જજમેન્ટ અને ટ્રાયલની પ્રક્રિયા યોગ્ય રીતે ચાલવી જોઈએ. ખુલ્લી અદાલતમાં બોલતાં ન્યાયાધીશે ઉમેર્યું, હું એક જ વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે મીડિયાની પણ સમાજ અને કાયદા પ્રત્યે ચોક્કસ જવાબદારી બને છે. આપણી બધાની જવાબદારી છે કે ક્રિમિનલ પ્રોસિજર કોડમાં જે રીતે ટ્રાયલ ચલાવવાની જોગવાઈ છે, તેને તે જ રીતે ચલાવવામાં આવે. કોઈપણ પ્રકારનો પૂર્વગ્રહ કે ભેદભાવ વિના નિષ્પક્ષ સુનાવણી થાય તે જરૂૂરી છે.
આ કેસમાં આરોપીઓ વતી હાજર રહેલા સંરક્ષણ પક્ષના વકીલે પણ ચાર્જશીટ લીક થવા અંગે કોર્ટ સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો. આ રજૂઆતો સાંભળ્યા બાદ કોર્ટે આશ્વાસન આપ્યું હતું કે તે આ સમગ્ર રિપોર્ટિંગ અને ચાર્જશીટ લીક થવાના મામલાની ઝીણવટપૂર્વક તપાસ કરશે અને તે મુજબ આગળના જરૂૂરી પગલાં લેશે.