Site icon Gujarat Mirror

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટ

 

શહેરમાં બે ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતી સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મમાં આચરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને અદાલતે 10 વર્ષની સજા અને રૂૂ.3000 નો દંડ તેમજ ભોગ બનનારને ગુજરાત વિકટીમ કમ્પનસેશન સ્કીમ અન્વયે રૂૂ.7 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં બી ડિવિઝન વિસ્તારમાં રહેતા પરિવારની 15 વર્ષની સગીરાને વર્ષ 2018 માં હિતેશ ઉર્ફે બાડો ચમનભાઈ કારેણા નામના શખ્સે લલચાવી ફોસલાવી સગીરાનું અપહરણ કરી નાસી છૂટ્યો હોવાની ભોગ બનનારના પરિવારે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે 18 દિવસ બાદ આરોપી હિતેશ ઉર્ફે બાડો કારેણાને ભોગ બનનાર સગીરા સાથે સુરતથી ઝડપી લીધો હતો. મેડિકલ તપાસ અને ભોગ બનનારની જુબાનીના આધારે આરોપી હિતેશ ઉર્ફે બાડા કારેણાએ સગીરાને સુરત અને મહેસાણા લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હોવાનું ખૂલતા પોલીસે આરોપી હિતેશ ઉર્ફે બાડો કારેણા વિરુદ્ધ પોકસો એકટની કલમનો ઉમેરો કર્યો હતો. જે કેસમાં તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.

ચાર્જશીટ બાદ કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદા, ભોગબનનાર, ફરિયાદી, તબીબ અને તપાસ અધિકારીની જુબાનીને ધ્યાને લઈ પોકસો કોર્ટે આરોપી હિતેશ ઉર્ફે બાડો કારેણાને 10 વર્ષની સજા અને રૂૂ.3000 નો દંડ તેમજ ભોગ બનનારને ગુજરાત વિકટીમ કમ્પનસેશન સ્કીમ અન્વયે રૂૂ.7 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ મહેશકુમાર જોષી રોકાયા હતા.

 

Exit mobile version