મોરબી પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ

મોરબી તાલુકા વિસ્તારમાં 15 વર્ષ 9 માસની સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચે અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાનો કેસ મોરબી પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલના…

મોરબી તાલુકા વિસ્તારમાં 15 વર્ષ 9 માસની સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચે અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાનો કેસ મોરબી પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલના પુરાવા અને દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવ્યો હતો અને 20 વર્ષની સખ્ત કેદની સજા સાથે રૂૂ 21,500 નો દંડ ફટકારવામાં આવ્યો છે.

કેસની પ્રાપ્ત વિગતો મુજબ તા.16-06-2022 ના રોજ ફરિયાદીની 15 વર્ષ 9 માસની સગીર વયની દીકરીને આરોપી લલચાવી ફોસલાવી જાતીય સતામણી કરવાના ઈરાદે લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયો હતો અને ભોગ બનનાર સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું મોરબી તાલુકા પોલીસ મથકમાં અપહરણ- દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.

જે કેસ અધિક જજ (પોક્સો) અને બીજા અધિક સેશન્સ જજ, મોરબીની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ એન ડી કારીઆએ કોર્ટમાં 15 મૌખિક પુરાવા અને 28 દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા તેમજ ધારદાર દલીલો રજુ કરી હતી જેને કોર્ટે માન્ય રાખી આરોપી બળદેવ ઉર્ફે સુરેશ મુળજીભાઈ શેખવાને કસુરવાન ઠેરવ્યો હતો કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ 363 મુજબ 3 વર્ષની સખ્ત કેદની સજા અને રૂૂ 1000 દંડ, કલમ 366 મુજબ ગુનામાં 7 વર્ષની સખ્ત કેદની સજા અને રૂૂ 3000 દંડ, કલમ 376 (2) (જે) મુજબ 10 વર્ષની સખ્ત કેદની સજા અને રૂૂ 5000 દંડ ફટકાર્યો છે.

તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ 376 (3) અન્વયે 20 વર્ષની સખ્ત કેદની સજા અને રૂૂ 5000 દંડ અને જાતીય ગુણોથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ 2012 ની કલમ 5 (એલ) ની સાથે વાંચતા કલમ 6 અન્વયે 20 વર્ષની સખ્ત કેદની સજા અને રૂૂ 5000 દંડ ફટકાર્યો છે તેમજ પોક્સો કલમ 18 અન્વયે 5 વર્ષની સખ્ત કેદની સજા અને રૂૂ 2500 દંડ ફટકાર્યો છે જે તમામ સજા એકસાથે ભોગવવા હુકમ કરવામાં આવ્યો છે તેમજ ભોગ બનનારને ગુજરાતની ભોગ બનનાર વળતર યોજના હેઠળ રૂૂ 4 લાખ અને આરોપી દંડની રકમ ભરે તે રૂૂ 21,500 સહીત કુલ રૂૂ 4,21,500 ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે.