ગુજરાત
વિવાદાસ્પદ શ્યામ રાજાણીની દુષ્કર્મ કેસમાં જામીન અરજી ફગાવતી કોર્ટ
મેડિકલ સારવારનું કારણ દર્શાવી માનવતાના ધોરણે 30 દિવસના જામીન મેળવવા વચગાળાની જામીન અરજી કરી’તી
અગાઉ બોગસ દવાખાનું અને કોડીનારના યુવકના અપહરણથી ચર્ચામાં આવેલા તેમજ કુવાડવા રોડ ખાતે હોટેલ ચલાવતા શ્યામ રાજાણી સામે તેની પત્નીએ નોંધાવેલી દુષ્કર્મના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપી શ્યામ રાજાણીએ કરેલી વચગાળાની જામીન અરજી કોર્ટે દ્વારા નામંજૂર કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ શહેરના કુવાડવા રોડ ઉપર ગ્રીન એવન્યુ ડી માં રહેતા વિવાદાસ્પદ શ્યામ હેમંતભાઈ રાજાણી વિરુદ્ધ તેની પ્રથમ પત્નીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી શ્યામ રાજાણીની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો. આરોપી વિરુદ્ધ ગુનાને લગતો પૂરતો પુરાવો મળી આવતા આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતું.
આરોપીએ જેલમાંથી મેડિકલ સારવારનું કારણ બતાવી માનવતાના ધોરણે વચગાળાના દિવસ 30 માટે જામીન ઉપર છૂટવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર તરફે સરકારી વકીલ હાજર રહી અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલી કે આવા સમાજ વિરોધી ગુનાઓમાં આરોપીને જામીન આપવા જોઈએ નહીં અને જો જામીન આપવામાં આવશે તો તે નાસી ભાગી જશે અને કેસ ચાલવામાં વિલંબ થશે તેથી આરોપીની માનવતાના ધોરણે કરેલી વચગાળાની જામીન અરજી સેશન્સ જજ પી.જે. તમાકુવાળાએ રદ કરી છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.