Site icon Gujarat Mirror

બી ડિવિઝનના તત્કાલીન પીઆઇ ફર્નાન્ડિસની દુષ્કર્મ કેસમાં આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટ

શહેરના બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવતા મહિલાને લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં પોલીસ ધરપકડની દેહશતથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વિકટર જોહન ફર્નાન્ડિસની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દેતા પોલીસ બેડામાં ખળભાટ મચી જવા પામ્યો છે.

આ કેસની હકીકત મુજબ વર્ષ 2019 થી 2022 દરમિયાન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વિકટર જોહન ફર્નાન્ડિસે તેમના કાર્યક્ષેત્રમા ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવતા મહિલા સાથે મિત્રતા કેળવી ફરિયાદીને લગ્નની લાલચ આપી ફરિયાદીની ઈચ્છા વિરુદ્ધ અવાર નવાર શરીર સંબંધ બાંધી પોલીસ ઇન્સ્પેક્ટર વિકટર જોહન ફર્નાન્ડિસએ અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લીધેલ હોવાની મહિલા ટ્રાફિક બ્રિગેડએ ગત તા.26-7-2025 ના રોજ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે ગુનાના કામે ધરપકડથી બચવા માટે હાલ સસ્પેન્શન ઉપર રહેલ પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. ફર્નાન્ડીસે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશ પીપળીયા હાજર રહી અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપી વિરુદ્ધ સમાજ વિરોધી ગુનો નોંધાયેલો છે અને આરોપીએ પોતે કાયદાનું રક્ષણ કરવાની જવાબદારી હોવા છતાં આવો ગુનો કરેલ હોય આવા દુષ્કર્માના ગુનામાં આરોપીને આગોતરા જામીન આપવા જોઈએ નહીં જો તેને જામીન આપવામાં આવશે તો સમાજમાંથી આવા પ્રકારના ગુનાઓ કરતા આરોપીઓને પ્રોત્સાહન મળશે અને સમાજમાં ખોટો સંદેશો જશે અને આવા લોકોને કાયદાનો કોઈ ડર રહેશે નહીં આવા બનાવો ઉપર અંકુશ રાખવા માટે આગોતરા જામીન અરજી રદ કરવી જોઈએ તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જ ટી. એસ બ્રહ્મભટ્ટે તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. ફર્નાન્ડીસની આગોતરા જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.

Exit mobile version