મેઘપર પડાણાના તત્કાલીન પી.એસ.આઈ. સહિત ત્રણ પોલીસ કર્મી સામે કેસ ચલાવવાનો કોર્ટનો આદેશ

લાલપુર કોર્ટે મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ જલુ તથા બે પોલીસ કર્મચારીઓ સામે મારકૂટ, અપહરણ, ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવા, ધમકી આપવા સહિતના…

લાલપુર કોર્ટે મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ જલુ તથા બે પોલીસ કર્મચારીઓ સામે મારકૂટ, અપહરણ, ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવા, ધમકી આપવા સહિતના ગુનાઓમાં કેસ ચલાવવાનો હુકમ કર્યો છે.

ફરિયાદ મુજબ મોટી ખાવડી ગામના ભારમલ કરાભાઈ મોરી 11 એપ્રિલ, 2016ની રાત્રે પોતાની ચાની કેબિન પર હતા ત્યારે મેઘપર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ જલુ, પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ ધરણાત ડાડુભાઈ ચરણવડિયા ત્યાં પહોંચ્યા હતા.

ફરિયાદી સાથે ગાળાગાળી કર્યા બાદ લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. દરમિયાન વચ્ચે પડેલા મહિપતસિંહ નાથુભા જાડેજાને પણ માર મારી બંનેને પોલીસ જીપમાં બેસાડી મેઘપર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે પોલીસ સ્ટેશનમાં પણ બંનેને બેફામ માર મારવામાં આવ્યો હતો અને ધમકી આપીને મોડી રાત્રે છોડી મૂકવામાં આવ્યા હતા. બીજા દિવસે ઇજાગ્રસ્ત ફરિયાદીને જી.જી. હોસ્પિટલ, જામનગર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એમએલસી નોંધાઈ હતી. ત્યારબાદ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતાં ફરિયાદીએ એડવોકેટ નિખિલ બી. બુદ્ધભટ્ટી મારફતે લાલપુર કોર્ટમાં ખાનગી ફરિયાદ દાખલ કરી હતી.

કોર્ટ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન ફરિયાદી, સાક્ષીઓ અને જી.જી. હોસ્પિટલના ડોક્ટરના નિવેદનોના આધારે લાલપુરના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે પીએસઆઈ જલુ, કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ ધરણાત ડાડુભાઈ ચરણવડિયા સામે ભારતીય દંડ સંહિતાની કલમ 323, 365, 341, 504, 506 અને 114 હેઠળ ફરિયાદ નોંધાવી કેસ ચલાવવાનો તથા આરોપીઓને સમન્સ પાઠવવાનો આદેશ કર્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષ તરફથી એડવોકેટ નિખિલ બી. બુદ્ધભટ્ટી, એડવોકેટ પાર્થ ડી. સામાણી, એડવોકેટ મહાવીરસિંહ બી. જાડેજા તથા એડવોકેટ સમર્થ આર. વેકરિયા રજૂઆત કરી રહ્યા છે.

નાસતો ફરતો આરોપી ઝડપાયો
જામનગર જિલ્લામાં નોંધાયેલા આઈ.ટી. એક્ટના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને મેઘપર (પડાણા) પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ ચાલી રહી છે. તે અંતર્ગત લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પીઆઈ પી.ટી. જયસ્વાલે સ્ટાફને સૂચનાઓ આપી હતી.
દરમિયાન પીએસઆઈ એ.જી. જાડેજા, એએસઆઈ મહિપાલસિંહ એલ. જાડેજા તથા સ્ટાફને મળેલી બાતમીના આધારે આઈ.ટી. એક્ટની કલમ 66(ડી) અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 31((2) હેઠળ નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી રંજન વિશ્વનાથ બેનજી (ઉંમર 35), મૂળ પશ્ચિમ બંગાળને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વ્યવસાયે ઇલેક્ટ્રિશિયન હોવાનું પોલીસે જણાવ્યું છે.
પકડાયેલ આરોપી વિરુદ્ધ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પીઆઈ પી.ટી. જયસ્વાલે ધોરણસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કામગીરીમાં મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.