Site icon Gujarat Mirror

દ્વારકા જિલ્લામાં ઇ-મેમોનો દંડ નહીં ભરનારને કોર્ટ દ્વારા નોટિસ ફટકારાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા આગામી તારીખ 13 સપ્ટેમ્બરના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા મારફતે ટ્રાફિક નિયમ ભંગ બદલ ઇસ્યુ કરવામાં આવેલા ઇ-મેમોના બાકી નાણા ભરપાઈ કરવા માટે અંદાજીત 3414 જેટલી કોર્ટ નોટીસ વાહન ચાલકોને ઇસ્યુ કરવામાં આવી છે.

જે વાહન ચાલકોના આ દંડ ભરવાનો બાકી છે, તેઓને કોર્ટ દ્વારા આપવામાં આવેલી નોટીસ અહીંના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા વાહન માલીકને લગત સરનામા ઉપર મોકલી અપાઈ છે. જેથી જે વાહન ચાલકોને ઇ-મેમોનો દંડ ભરવાનો બાકી હોય, તેવા તમામ વાહન ચાલકોને તા. 13 સપ્ટેમ્બર પહેલા દંડ ભરીને માંડવાળ કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

રજીસ્ટર વાહન સંદર્ભે ન ચુકવાયેલા ટ્રાફિક ઇ-ચલણની રકમ નેત્રમ, પોલીસ અધિક્ષક કચેરી, લાલપુર-ધરમપુર રોડ, ખંભાળિયા તેમજ જિલ્લા ટ્રાફિક શાખા, મીલન હોટલની સામે, મિલન ચાર રસ્તા, ખંભાળિયા અથવા દ્વારકા પોલીસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન રોડ, સનાતન આશ્રમની બાજુમાં, દ્વારકા ખાતે ભરી શકાશે.
આ ઉપરાંત ટ્રાફિક નિયમના ભંગ બદલ ઇ-મેમોનો દંડ ઓનલાઈન માધ્યમથી પણ ભરી શકાશે તેમ વધુમાં જણાવાયું છે.

Exit mobile version