Site icon Gujarat Mirror

ગુરૂજીનગર આવાસ કવાર્ટરમાં વગર લગ્ને સાથે રહેતાં યુગલે સજોડે ફિનાઈલ પી લીધું

શહેરમાં સાધુવાસવાણી રોડ પર આવેલ ગુરૂજીનગર આવાસ કવાર્ટરમાં વગર લગ્ને સાથે રહેતાં યુગલે સજોડે ફિનાઈલ પી લીધું હતું. સગીરા અને યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. સગીરાના પિતાએ બે લાખ ઉછીના આપનાર મિત્ર સાથે સગપણ કરવાનું કહેતાં યુગલે સજોડે ફિનાઈલ પીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સાધુવાસવાણી રોડ પર આવેલ ગુરૂજીનગર આવાસ કવાર્ટરમાં વગર લગ્ને સાથે રહેતાં 18 વર્ષના યુવક અને 17 વર્ષની સગીરાએ બપોરના ચારેક વાગ્યાના અરસામાં હનુમાન મઢી પાસે આવેલા શિવપરા વિસ્તારમાં હતાં ત્યારે સજોડે ફિનાઈલ પી લીધું હતું. યુગલને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અંગે જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પુછપરછમાં સજોડે ફિનાઈલ પી લેનાર યુવક અને સગીરા સગપણ બાદ સાથે રહેતાં હતાં. પરંતુ અવારનવાર સગીરાના પિતા તેણીને તેડી જતાં હતાં. સગીરાના પિતા સહિતના મિત્રો ઘરે દારૂની મહેફીલ માણતાં હતાં અને પિતાએ મિત્ર પાસેથી બે લાખ ઉછીના લીધા છે તેથી તું તે મિત્ર સાથે સગાઈ કરી લે. તેવું કહેતા સગીરા અને તેના મંગેતરે સજોડે ફિનાઈલ પીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version