Site icon Gujarat Mirror

મહારાષ્ટ્રમાં રિક્ષા-ટેકસીચાલકો માટે મરાઠી ભાષા ફરજિયાત કરાતા વિવાદ

મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈમાં મરાઠી ભાષા મુદ્દે અવાર-નવાર વિવાદ ચાલતો રહે છે, ત્યારે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે જેના કારણે આ વિવાદ વધુ વકરવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વાસ્તવમાં મહારાષ્ટ્રના મીરા-ભાયંદરમાં ઓટો અને ટેક્સી ચલાવનારા ડ્રાઈવરો માટે મરાઠી બોલવું ફરજિયાત કરાયું છે. આ માટે સરકારે એક નવો પાયલોટ પ્રોજેક્ટ શરૂૂ કર્યો છે, જેમાં ડ્રાઈવરોની ભાષા ક્ષમતાની તપાસ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં રાજ્યમાં ઓટો રીક્ષા અને ટેક્સી ડ્રાઈવરોને મરાઠી ભાષા વાંચતા, લખતા અને બોલતા આવડે તે માટે સરકારે આ પાયલોટ પ્રોજેક્ટ શરૂૂ કર્યો છે અને પ્રોજેક્ટની શરૂૂઆત મીરા રોડ અને ભાયંદર વિસ્તારમાંથી શરૂૂ કરવામાં આવી છે. આ બંને વિસ્તારમાં લગભગ 12000થી વધુ ડ્રાઈવરોની પરમિટ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી છે. જોકે આ વખતે માત્ર તેમના ડોક્યુમેન્ટ્ જ નહીં પરંતુ તેઓ મરાઠી ભાષા કેટલી જાણે છે, તેની પણ ખાતરી કરવામાં આવી રહી છે.

ડ્રાઈવરો માટેનો આ પાયલોટ પ્રોજેક્ટ ‘ફરજિયાત મરાઠી પરીક્ષા’નો શુભારંભ છે. હવે ડ્રાઈવરોને મરાઠી વાંચતા, લખતા, બોલતા આવડવું જોઈએ. આ માટે તેમણે એક નાનો પકરો લખવાનો રહેશે અને મૌખિક ટેસ્ટ પણ આપવાની રહેશે. અગાઉ માત્ર સર્ટિફિકેટ અપાતા હતા, જોકે હવે ડ્રાઈવરોએ પોતાની આવડતર પણ દેખાડવી પડશે.

મહારાષ્ટ્ર મોટર વ્હીકલ નિયમના નિયમ 24 હેઠળ મરાઠી ભાષાનું જ્ઞાન જરૂૂરી છે. 2019માં તેને વધુ મજબૂત બનાવવામાં આવ્યું હતું, જેથી ડ્રાઇવરો સ્થાનિક ભાષામાં મુસાફરો અને અધિકારીઓ સાથે યોગ્ય રીતે વાત કરી શકે. જે ડ્રાઇવરો આ પરીક્ષામાં અસફળ થશે અથવા માપદંડો પૂર્ણ નહીં કરે, તેમની પરમિટ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. આ આખું અભિયાન 1 મે સુધી ચાલશે. ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને જો તે સફળ રહેશે, તો સમગ્ર રાજ્યમાં આવો નિયમ લાગુ થઈ શકે છે.

 

Exit mobile version