Site icon Gujarat Mirror

દિલ્હીમાં મારા ઘરને તમારૂ જ સમજો, કાયમ દરવાજા ખુલ્લા જ છે: ગેનીબેન

સુરતના કતારગામ વિસ્તારમાં તાજેતરમાં ઠાકોર સમાજનું એક ભવ્ય સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે હાજરી આપી હતી. પોતાના વક્તવ્ય દરમિયાન ગેનીબેને રાજકીય મતભેદો બાજુ પર મૂકીને વિકાસ અને સામાજિક સુધારા પર ભાર મૂક્યો હતો.

ગેનીબેન ઠાકોરે ભાજપના સાંસદ અને ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, “ગોવિંદભાઈ સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો તે ગર્વની વાત છે. ડાયમંડ ઉદ્યોગમાં તેમનું નામ સર્વોચ્ચ છે, પરંતુ આ સિદ્ધિ રાતોરાત નથી મળી, તેની પાછળ 25 વર્ષની સખત મહેનત છે.” તેમણે ઉમેર્યું કે ગોવિંદભાઈએ પોતાના રત્ન કલાકારોનું હંમેશા ભલું કર્યું છે અને તમામ સમાજને સાથે લઈને ચાલ્યા છે. સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી અંગે ગેનીબેને ચિંતા વ્યક્ત કરી હતી. આ મુદ્દે તેઓ તમામ પુરાવાઓ સાથે કેન્દ્રીય નાણામંત્રી સમક્ષ રજૂઆત કરશે અને રત્નકલાકારો માટે આર્થિક સહાયની માંગણી કરશે. સુરતને ગુજરાતની આર્થિક રાજધાની ગણાવીને અહીંના ધંધા-રોજગારના સ્ટેટસના વખાણ કર્યા હતા. પોતાના ’રાજધર્મ’ વિશે વાત કરતા ગેનીબેને કહ્યું કે, “જ્યારે હું સાંસદ બની ત્યારે મારું સૌથી પહેલું સ્વાગત ચૌધરી સમાજે કર્યું હતું. રાજકીય કિન્નખોરી રાખીને કોઈ સમાજનું બૂરું ન કરવું જોઈએ. તમામ સમાજની સેવા કરવી એ જ સાચો રાજધર્મ છે.”

ગેનીબેને સ્ટેજ પરથી જ પોતાનો જૂનો મોબાઇલ નંબર જાહેર કરીને લોકોનું દિલ જીતી લીધું હતું. તેમણે કહ્યું, “કંઈ પણ કામ હોય તો ફોન કરજો. જો હું ફોન ન ઉપાડું તો મેસેજ કરજો, હું સામેથી કામ કરીશ. લોકોને આમંત્રણ આપતા તેમણે ભાવુક અપીલ કરી કે, દિલ્હીમાં બનાસકાંઠાના સાંસદ તરીકે મને જે ઘર મળ્યું છે, તેને તમે હોટલ, ઘર કે ધર્મશાળા ગણીને ત્યાં જરૂૂર પધારજો, તમારા માટે દરવાજા હંમેશા ખુલ્લા છે.

Exit mobile version