Site icon Gujarat Mirror

દિલ્હીમાં સતત બે વખત મીંડું મૂકનારી કોંગ્રેસ માટે જંગમાં ગુમાવવા જેવું કશું નથી

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં જ ભાજપ વિરોધી પક્ષોના બનેલા ઈન્ડિયા જોડાણમાં ડખો પેઠો છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે આવી ગયાં છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ અને કોંગ્રેસ તથા આપ જોડાણ નહીં કરે એ નક્કી થયું ત્યારથી જ ડખાની શરૂૂઆત થઈ ગયેલી કેમ કે કોંગ્રેસના નેતાઓએ કેજરીવાલ સામે પ્રહારો શરૂૂ કરી દીધેલા. તેમાં ક્રિસમસના દાડે કોંગ્રેસ આમ આદમી પાર્ટીની સરકાર સામે ફરિયાદ નોંધાવી અને અજય માકેને અરવિંદ કેજરીવાલને દેશના સૌથી મોટા ફ્રોડ ગણાવ્યા તેમાં ધૂમધડાકા થઈ ગયા.

આમ આદમી પાર્ટીએ અજય માકેનને કોંગ્રેસમાંથી તગેડી મૂકવા હાઈકમાન્ડને અલ્ટિમેટમ આપ્યું છે અને માકેનને કોંગ્રેસના કાઢી મૂકે તો ઈન્ડિયા બ્લોકમાંથી કોંગ્રેસને બહાર કાઢવાની માગ પણ કરી છે એ જોતાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં આતિશીના રાજમાં ભારે આતશબાજી થશે એ નક્કી.

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પછી કેજરીવાલે તેમની સ્ટાઈલમાં વચનોની લહાણી શરૂૂ કરી તેમાં કોંગ્રેસના નેતા સામે પડયા તેમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ખુલ્લો જંગ જ છેડાઈ ગયો છે. આ જંગમાં યુથ કોંગ્રેસે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. 25 ડિસેમ્બર ને નાતાલે યુથ કોંગ્રેસે આમ આદમી પાર્ટીની દિલ્હીમાં મફત સારવારની જાહેરાત અને મહિલાઓને રૂૂપિયા 2100 આપવાની જાહેરાત સામે પોલીસ કેસ કરી નાખ્યો. માકેન સહિતના કોંગ્રેસના નેતા જે કંઈ કરી રહ્યા છે એ તેમની મજબૂરી પણ છે. દિલ્હીમાં કોંગ્રેસે સળંગ 15 વર્ષ રાજ કર્યું પછી અરવિંદ કેજરીવાલનો ઉદય થયો એ સાથે જ કોંગ્રેસનું પતન થઈ ગયું. કોંગ્રેસની હાલત એટલી ખરાબ છે કે છેલ્લી ત્રણ લોકસભામાં કોંગ્રેસ દિલ્હીમાં એક પણ બેઠક જીતી શકી નથી ને છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના નામે ઝીરો જ બોલે છે. કોંગ્રેસે દિલ્હીમાં અસ્તિત્વ ટકાવવું હોય તો આપ સામે બોલ્યા વિના છૂટકો નથી. લોકસભાની ચૂંટણીમાં આપ સાથે જોડાણ કરીને અસ્તિત્વ ટકાવવાનો પ્રયોગ પણ કોંગ્રેસે કરી લીધો પણ સફળતા ના મળી એ જોતાં કોંગ્રેસ સામે તલવાર તાણવા સિવાય વિકલ્પ નથી.

Exit mobile version