ચૂંટણી કમિશનરનું મહોરૂં પહેરાવી કાર્યકરને દોરડાથી બાંધતી કોંગ્રેસ

ભારતમાં SIRની પ્રક્રિયાના નામે 13 કરોડ નામો કપાયાના મામલે કેન્દ્રના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે ઠેર-ઠેર ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ…

ભારતમાં SIRની પ્રક્રિયાના નામે 13 કરોડ નામો કપાયાના મામલે કેન્દ્રના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે ઠેર-ઠેર ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ દ્વારા દેશભરમાં આજે વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટમાં શહર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના યુવા કાર્યકરને જ્ઞાનેશ કુમારનું મુખોટું પહેરાવવામાં આવ્યું હતું અને દોરડાથી બાંધવામાં આવ્યો હતો. જે બાદ તેને પકડીને કલેકટર કચેરીએ લઈ જવામાં આવ્યો હતો.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, સમગ્ર દેશની અંદર જે SIRની કામગીરી ચૂંટણી કમિશનર દ્વારા કરવામાં આવી, જેમાં ભારતમાં 13 કરોડ નામ દૂર કરવામાં આવ્યા અને ભૂતિયા નામ ચડાવવામાં આવ્યા. જ્યારે આ SIRની કામગીરી થતી હતી, ત્યારે કોંગ્રેસે આનો પણ વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ વિરોધ કર્યો હતો, પરંતુ ત્યારે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારી સરકારે કોંગ્રેસની વાતને નકારી કાઢી હતી. જોકે, જ્ઞાનેશ કુમારની સાથેના બે ચૂંટણી કમિશનરે સ્વીકાર્યું કે અમે 14 વખત જ્ઞાનેશ કુમારને લેખિત ફરિયાદ કરી કે, અમને વિશ્વાસમાં લીધા વિના આ 13 કરોડ નામ કાઢવાનું કામ ચૂંટણી પંચના મુખ્ય અધિકારીએ કરેલું છે.

આ વાત જ્યારે બહાર આવી ત્યારે લોકશાહી અને બંધારણમાં જે મુખ્ય મતાધિકાર સમગ્ર ભારત દેશમાં વસતા નાગરિકોને આપેલો છે એ મતાધિકાર ઉપર તરાપ મારવાનું કામ થયું હોવાનું સામે આવ્યું. જેના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. વધુમાં ઉમેર્યું કે, કોંગ્રેસની સ્પષ્ટ માગ છે કે તાત્કાલિક ધોરણે જ્ઞાનેશ કુમારનું રાજીનામું લેવામાં આવે અને જે SIR પ્રક્રિયા થઈ હતી એ ફરીથી ચકાસવામાં આવે. આજે સરદાર પટેલની પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી પગપાળા પહોંચી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. દેશમાં લોકશાહી અને બંધારણની અંદર મૂળભૂત અધિકારમાં મતાધિકારનો સમાવેશ થાય છે, ત્યારે આપના માધ્યમથી કહું છું કે સમગ્ર દેશની જનતા અને ગુજરાતની જનતા પણ જાગે. ભાજપ સરકારે વોટ ચોરી કરી છે જે એને નહીં કરવા દઈએ.

ચૂંટણી પંચ પર ખોટા આક્ષેપો કરી વિપક્ષ દેશની છબી ખરાબ કરી રહ્યો છે: મેયર નેહલ શુક્લા
કોંગ્રેસ પોતાની હાર છૂપાવવા બંધારણીય સંસ્થાઓને નિશાન બનાવી રહી હોવાનો ભાજપનો આરોપ
રાજકોટ ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક અગત્યની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ તેમજ પક્ષના અન્ય વરિષ્ઠ આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મેયર નેહલ શુક્લાએ જણાવ્યું હતું કે, દેશની સૌથી વિશ્વાસપાત્ર સંસ્થા ગણાતા ચૂંટણી પંચ ઉપર વિપક્ષ કોંગ્રેસ દ્વારા કાલ્પનિક લેખો અને ઉપજાવી કાઢેલા તથ્યોના આધારે ખોટા અને મનઘડંત આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પણ ચૂંટણી પંચની પારદર્શકતા અને કાયદાકીય માળખાને યોગ્ય ગણાવી માન્યતા આપી છે, તેમ છતાં કોંગ્રેસ માત્ર પોતાના રાજકીય સ્વાર્થ માટે પંચની પ્રતિષ્ઠા ખરાબ કરવા સોશિયલ મીડિયા અને રાજકીય આંદોલનોનો દુરુપયોગ કરી રહી છે. ભાજપના નેતાઓએ વિપક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, જ્યારે પણ કોંગ્રેસ કોઈ રાજ્ય કે ચૂંટણીમાં વિજયી બને છે ત્યારે ચૂંટણી પંચ અને EVM બંને યોગ્ય ગણાય છે. પરંતુ જેવી ચૂંટણીમાં હાર થાય છે કે તુરંત જ EVM અને બંધારણીય સંસ્થાઓ પર સવાલો ઉઠાવવાનું શરૂૂ કરી દેવામાં આવે છે. આ પ્રકારનું બેવડું વલણ કોંગ્રેસની નિરાશા દર્શાવે છે.નેતાઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર દેશના કરોડો નાગરિકોના હ્રદયમાં જ સ્થાન નથી ધરાવતા, પરંતુ વૈશ્વિક સ્તરે પણ એક મજબૂત, સક્ષમ અને દૂજ્ઞમ્રિષ્ટિ ધરાવતા નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે. કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા આવા નકારાત્મક પ્રયાસોથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત દેશ અને વડાપ્રધાનની છબીને નુકસાન પહોંચાડવાનો હીન પ્રયાસ થઈ રહ્યો છે.