ભાજપની રેલી સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: પોલીસ સાથે ઝપાઝપીના દૃશ્યો સર્જાયા

રાજકોટમાં આજે સાંજે રાજકીય માહોલ ગરમાયો હતો. રેસકોર્સ રિંગ રોડ પર એક તરફ ભાજપના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો અને પ્રદેશના ટોચના નેતાઓની હાજરીમાં રેલી યોજાઈ હતી,…

રાજકોટમાં આજે સાંજે રાજકીય માહોલ ગરમાયો હતો. રેસકોર્સ રિંગ રોડ પર એક તરફ ભાજપના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો અને પ્રદેશના ટોચના નેતાઓની હાજરીમાં રેલી યોજાઈ હતી, તો બીજી તરફ કોંગ્રેસે પોતાના કાર્યકરોના બળે સમાંતર રેલી યોજવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કોંગ્રેસની રેલીને અટકાવવા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી માર્ગો બંધ કરતાં બંને પક્ષના રાજકીય કાર્યક્રમો વચ્ચે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઝપાઝપીના દૃશ્યો જોવા મળ્યા હતા.

રેસકોર્સ રોડ પર આવેલા કોંગ્રેસ કાર્યાલયમાંથી બહાર નીકળવાના બંને માર્ગો પર પોલીસની વાન ખડકી દેવામાં આવી હતી અને બેરિકેડ્સ ગોઠવી દેવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ બહાર નીકળીને ભાજપની રેલી સુધી પહોંચવાનો પ્રયાસ કરતાં પોલીસે તેમને અટકાવ્યા હતા.

આ દરમિયાન કોંગ્રેસના શહેરપ્રમુખે લોકશાહી બચાવવાના મુદ્દે ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા. ત્યારબાદ કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર શરૂૂ કર્યા હતા અને બેરિકેડ્સ આડા પાડી આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક કાર્યકરો બેરિકેડ્સ પર ચડી ગયા હતા, જ્યારે મહિલા કાર્યકરો સહિતના કેટલાક કાર્યકરો પોલીસની વાન પર ચડીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે તેમને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.

કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનમાં શહેરના કેટલાક જાણીતા નેતાઓની ગેરહાજરી જોવા મળી હતી, જ્યારે કાર્યકરોની હાજરી નોંધપાત્ર રહી હતી. ભાજપની રેલીની સરખામણીએ કોંગ્રેસના કાર્યકરોની સંખ્યા ઓછી હોવા છતાં તેમનામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જોકે, પોલીસના મોટા કાફલા અને ચુસ્ત બંદોબસ્તને કારણે કોંગ્રેસના કાર્યકરો ભાજપની રેલી સુધી પહોંચી શક્યા નહોતા.

ભાજપની રેલીને કારણે ટ્રાફિક જામ, વાહનચાલકો પરેશાન
બીજી તરફ, ભાજપની રેલીના આયોજનને કારણે રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થઈ હતી. શહેરના પોશ વિસ્તાર ગણાતા યાજ્ઞિક રોડ સહિત આસપાસના માર્ગો પર વાહનવ્યવહારને અસર પહોંચી હતી. સાંજે ઓફિસેથી ઘરે પરત ફરી રહેલા નાગરિકોને ભારે ટ્રાફિકજામનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ, સાંજે ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી વિવિધ માર્ગો પર વાહનવ્યવહાર બંધ અથવા નિયંત્રિત રહેતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. રાજકીય શક્તિપ્રદર્શન વચ્ચે સામાન્ય નાગરિકોએ ટ્રાફિકની સમસ્યાનો ભોગ બનવું પડ્યું હતું.