રાવલ નગરપાલિકાના પ્રમુખ તરીકે કોંગ્રેસના મોતીબેન પરમાર ચૂંટાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની જામ રાવલ નગરપાલિકામાં નોંધપાત્ર બેઠકો સાથે કોંગ્રેસને બહુમતી સાંપળી છે. ત્યારે ગઈકાલે મંગળવારે યોજાઇ ગયેલી પ્રમુખ – ઉપપ્રમુખ તરીકેની ચૂંટણીમાં…

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની જામ રાવલ નગરપાલિકામાં નોંધપાત્ર બેઠકો સાથે કોંગ્રેસને બહુમતી સાંપળી છે. ત્યારે ગઈકાલે મંગળવારે યોજાઇ ગયેલી પ્રમુખ – ઉપપ્રમુખ તરીકેની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે કોંગ્રેસના બે દાવેદારો રહ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ બિનહરીફ વરાયા છે.

જામ રાવલ નગરપાલિકાના છ વોર્ડના 24 સભ્યોની તાજેતરમાં યોજાઈ ગયેલી ચૂંટણીમાં નોંધપાત્ર બહુમતી સાથે 21 સભ્યો કોંગ્રેસના ચૂંટાયા છે. ત્યારે મંગળવારે નગરપાલિકા કચેરી ખાતે પ્રાંત અધિકારી હિમાંશુ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયેલી ખાસ બેઠકમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના મોતીબેન વાલાભાઈ પરમાર ચૂંટાઈ આવ્યા છે. જેમને 24 પૈકી 20 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના વિજેતા અન્ય એક ઉમેદવારને 24 પૈકી 4 મત મળ્યા હતા.

આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના મોહનભાઈ રાયસીભાઈ વાઘેલા બિનહરીફ જાહેર થયા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયાના વડપણ હેઠળ આ સમગ્ર કાર્યવાહી સુપેરે સંપન્ન થઈ હતી.

મહત્વની બાબત તો એ છે કે રાવલ નગરપાલિકાના પ્રમુખ બનવા ઈચ્છતા લક્ષ્મીબેન રાજેશભાઈ વાઘેલાને બદલે પાર્ટીએ સર્વસંમતિથી મોતીબેન વાલાભાઈ પરમારના નામની વ્હિપ આપી હતી. પરંતુ તેમણે વ્હિપનો અનાદર કરી, ભાજપના સદસ્યો સાથે મળીને સ્પષ્ટ બહુમતી છતાં કોંગ્રેસના પ્રમુખને બિનહરીફ થવા દીધા નહોતા. આટલું જ નહીં, પ્રમુખ પદ માટે પણ તેમણે ફોર્મ ભર્યું હતું.

જેને ભાજપે ટેકો આપ્યો હતો જેથી 24 પૈકી તેમને માત્ર ચાર મત મળ્યા હતા.! આમ હંમેશા સત્તાની સાઠમારી માટે જાણીતી રાવલ નગરપાલિકામાં આજે વધુ એક રાજકીય સ્ટંટ ખેલાયો હતો. ત્યારે હવે વ્હિપનો અનાદર કરનારા સભ્ય સામે પક્ષ શું પગલા લ્યે છે, તે બાબતે સૌની મીટ મંડાઈ છે.