કોંગ્રેસ મેદાનમાં, ગુરુવારે રાજકોટમાં ખેડૂત આક્રોશ મહાસભા

રાજ્યમાં ખેડૂતોની કથળતી પરિસ્થિતિ, વીજ સંકટ અને વળતર મુદ્દે સરકાર સામે રણશિંગુ ફૂંકવા માટે આગામી 22 તારીખે રાજકોટ ખાતે ભવ્ય ખેડૂત આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં…

રાજ્યમાં ખેડૂતોની કથળતી પરિસ્થિતિ, વીજ સંકટ અને વળતર મુદ્દે સરકાર સામે રણશિંગુ ફૂંકવા માટે આગામી 22 તારીખે રાજકોટ ખાતે ભવ્ય ખેડૂત આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસભાની પૂર્વતૈયારીના ભાગરૂૂપે આજે રાજકોટમાં પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા અને લલિત વસોયાએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી સરકારની ખેડૂત વિરોધી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા.

પત્રકાર પરિષદમાં જણાવ્યા અનુસાર, આ મહાસભામાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર અને પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતના તમામ ટોચના નેતાઓ વિશેષ ઉપસ્થિત રહેશે.

પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે, સરકાર દાદાગીરી પૂર્વક ખેતરોમાં વીજપોલ ઊભા કરી રહી છે, જેના કારણે ખેડૂતોની કિંમતી જમીન બિનઉપયોગી બની રહી છે. ખેડૂતોના ભોગે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું અયોગ્ય છે. આ કામગીરી અદાણી કંપનીને લાભ પહોંચાડવા માટે કરવામાં આવી રહી હોવાનો સીધો આરોપ તેમણે લગાવ્યો હતો. આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, સૌની યોજના પાછળ કરોડો રૂૂપિયા ખર્ચાયા છે, ત્યારે આ વર્ષે ઓછા વરસાદની સ્થિતિમાં ખેડૂતોને પિયત માટે તાત્કાલિક પાણી આપવું જોઈએ. જીવતા બાપાની સેવા ન કરીએ અને મરી ગયા પછી મોટો દહાડો કરીએ એનો કોઈ મતલબ નથી. સૌરાષ્ટ્રમાં હાલ ગંભીર પરિસ્થિતિ હોય તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવાની માંગ પણ તેમણે કરી હતી.

કગથરાએ વીજ સંકટ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, સાંજે 4 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી ખેડૂતો માટે સંપૂર્ણ વીજકાપ લાદી દેવામાં આવ્યો છે, જેની ખેતી પર વિનાશક અસર પડી રહી છે. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, ખેતરોમાંથી પસાર થતી વીજલાઈન અને વીજપોલ સામે ખેડૂતોના આંદોલનને કોંગ્રેસ સંપૂર્ણ ટેકો જાહેર કરે છે. ગુજરાત સિવાય દેશના તમામ રાજ્યોમાં પાકવીમા યોજના ચાલુ છે, ત્યારે ગુજરાતમાં પણ જૂની પાકવીમા યોજના ફરી લાગુ કરવાની માંગ આ મહાસભામાં બુલંદ કરવામાં આવશે. ખેડૂતોના વળતરના કેસોનો તાત્કાલિક નિકાલ લાવવાની માંગ સાથે તેમણે જણાવ્યું કે, ઓછા ઘાસચારાના ઉત્પાદન સામે પશુપાલકો અને ખેડૂતોને તાત્કાલિક સહાય મળવી જોઈએ. સરકારી નીતિઓના અસંતોષને કારણે જ ટેકાના ભાવે ખરીદી માટે ગયા વર્ષ કરતાં 25 ટકા ઓછા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે.