ડી.પી.સ્વામી આણી મંડળી સામે 3 વર્ષમાં જમીનના નામે છેતરપિંડીની રૂપિયા 8.79 કરોડની ફરિયાદ

સસ્તામાં જમીન મેળવવા, ઊંચા કમિશનની લાલચ આપવા અને ભવ્ય મંદિર બનાવવાના બહાને કરોડો રૂૂપિયાની છેતરપિંડી આચરતી વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના આણંદના દર્શન પ્રકાશ ઉર્ફે ડી. પી.…

સસ્તામાં જમીન મેળવવા, ઊંચા કમિશનની લાલચ આપવા અને ભવ્ય મંદિર બનાવવાના બહાને કરોડો રૂૂપિયાની છેતરપિંડી આચરતી વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના આણંદના દર્શન પ્રકાશ ઉર્ફે ડી. પી. સ્વામી તથા અંકલેશ્વરના માધવપ્રિય ઉર્ફે એમ. પી. સ્વામી સહિત પાંચ શખસોની ટોળકીનો વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. આ ટોળકીએ રાજકોટમાં ચોટીલાના એક નિવૃત્ત શાસનાધિકારીને નિશાન બનાવી ડાકોરમાં મંદિર બનાવવાના બહાને રૂૂપિયા 1.25 કરોડની ઠગાઈ આચરી છે. આ સાથે જ ડી. પી. સ્વામી આણી મંડળીએ એક જ પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) અપનાવીને છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ માલેતુજારો સાથે કુલ રૂૂપિયા 8.79 કરોડની છેતરપિંડી આચરી હોવાનો પર્દાફાશ થયો છે.

આ સમગ્ર ઘટનાની વિગતો મુજબ, વર્ષ 2004-05માં મોરબી ખાતે નોકરી કરતા અને હાલ ચોટીલા રહેતા નિવૃત્ત શાસનાધિકારી નરસિંહ લઘરભાઈ વાઢેરનો પરિચય કાપડના વેપારી મિત્ર મારફતે અમદાવાદના બ્રોકર ચિંતન અશ્વિન પરમાર સાથે થયો હતો. ત્યારબાદ બંને સ્વામીઓ અને તેમના સાગરિતોએ ડાકોરમાં 300થી 400 વીઘા જગ્યામાં સ્વામિનારાયણનું ભવ્ય મંદિર બનાવવાનું હોવાનું જણાવી નરસિંહભાઈને વિશ્વાસમાં લીધા હતા. આ પ્રોજેક્ટ માટે આફ્રિકાથી મોટું દાન આવવાનું છે તેમ કહી ઓછી કિંમતે જમીન અને સારું કમિશન આપવાની લાલચ આપી તેમની પાસેથી રોકડા રૂૂપિયા 1.25 કરોડ પડાવી લીધા હતા. જોકે, લાંબો સમય વીતવા છતાં નાણાં પરત ન મળતા આખરે નરસિંહભાઈએ ચિંતન અશ્વિન પરમાર (અમદાવાદ), માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી (અંકલેશ્વર), દર્શન પ્રકાશ સ્વામી ઉર્ફે ડી. પી. સ્વામી (આણંદ), લાલજી બાવ ઢોલા (સુરત) અને જેકીકુમાર શરદ રામી (ડાકોર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ ટોળકીની કામ કરવાની પદ્ધતિ અત્યંત શાતિર હતી. તેઓ ખાસ કરીને ધાર્મિક વૃત્તિ ધરાવતા લોકોને ટાર્ગેટ કરતા હતા. તેઓ રોકાણકારોને એવું સમજાવતા કે જો સંસ્થા સીધી ખેડૂત પાસેથી જમીન ખરીદવા જશે તો ખેડૂતો ઊંચા ભાવ માંગશે અને સગાં-સંબંધીઓના વાંધા-વચકા ઊભા થશે. પરંતુ જો રોકાણકાર પોતાના નામે જમીનનો સાટાખત કરાવી લે, તો સંસ્થા તેમને મૂળ રકમ ઉપરાંત તગડું કમિશન ચૂકવશે.

અગાઉના ગુનાઓમાં જામીન મળી જતાં હિંમત ખુલી ગયેલી આ ટોળકીએ આ જ રીતે નિવૃત્ત અધિકારીને શીશામાં ઉતાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ બંને સ્વામીઓ વિરુદ્ધ સતત ત્રીજા વર્ષે એક જ ઢબે ફરિયાદ નોંધાઈ છે. અગાઉ સપ્ટેમ્બર, 2024માં રાજકોટના રિયલ એસ્ટેટ બ્રોકર જસ્મિન માઢકને લીંબ ગામે પોઈચા જેવું ભવ્ય મંદિર અને ગૌશાળા બનાવવા 510 વીઘા જમીન ખરીદવાની તથા આફ્રિકાથી દાન આવવાની લાલચ આપી રૂૂ. 3.04 કરોડ પડાવવા બદલ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ ઓક્ટોબર, 2025માં અમદાવાદના સેટેલાઈટ વિસ્તારના બિલ્ડર જીવનભાઈ પરમાર સાથે વડોદરા નજીક મંદિરની જમીનના બહાને રૂૂ. 4.50 કરોડની છેતરપિંડી આચરવા બદલ આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત આણંદના ચિખોદરા ખાતે આવેલી ગૌશાળા અને મંદિરમાં પણ ડી. પી. સ્વામી અને વી. પી. સ્વામીની કથિત ભાગીદારી હોવાની ચર્ચાઓ વચ્ચે હાલ આ સમગ્ર કૌભાંડની તપાસ અમદાવાદ સીઆઈડી દ્વારા ચલાવવામાં આવી રહી છે.