જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તાજેતરમાં જ એક અત્યંત ભવ્ય પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના મુખ્ય આયોજક તરીકે ધારા ઇન્ફોટેકના પ્રોપરાઇટર પ્રફુલ ચંદ્રેશા હતા. છેલ્લા 20 વર્ષથી સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં હોમ ડેકોર, પ્રોપર્ટી શો, ફૂડ એન્ડ પેકેજિંગ શો તેમજ અન્ય મોટા એક્ઝિબિશન યોજવાનો બહોળો અનુભવ ધરાવતી આ ધારા ઇન્ફોટેક સંસ્થાએ, જામનગરમાં યોજાનારા આ પ્રોપર્ટી શોને સફળ બનાવવાના આશયથી ફેડરેશન ઓફ આર્કિટેક્ટ્સ એન્ડ એન્જિનિયર્સને સહ-આયોજક તરીકે જોડાવા માટે વિશેષ વિનંતી કરી હતી.
આ પ્રોપર્ટી શોમાં મદદરૂૂપ થવા બદલ ધારા ઇન્ફોટેક દ્વારા ફેડરેશન ઓફ આર્કિટેક્ટ્સ એન્ડ એન્જિનિયર્સને વળતર પેટે કુલ રૂૂ. 8,01,000/- ચૂકવવાની લેખિતમાં ખાતરી આપવામાં આવી હતી અને આ રકમ પેટે પોતાની બેંકના રૂૂ. 4,00,000/- તથા રૂૂ. 4,01,000/- ના બે અલગ-અલગ ચેકો પણ આપવામાં આવ્યા હતા. ફેડરેશન ઓફ આર્કિટેક્ટ્સ એન્ડ એન્જિનિયર્સની અથાગ મહેનત અને સચોટ આયોજનના પરિણામે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાયેલો આ પ્રોપર્ટી શો અપેક્ષા કરતાં પણ વધુ સુપર સક્સેસ રહ્યો હતો.
જો કે, પ્રોપર્ટી શો ભવ્ય રીતે સફળ ગયા બાદ ધારા ઇન્ફોટેકના પ્રોપરાઇટર પ્રફુલ ચંદ્રેશાની દાનત બગડી હતી અને ફેડરેશન ઓફ આર્કિટેક્ટ્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા અવારનવાર જાણ કરવામાં આવવા છતાં તેઓએ રૂૂ. 8,01,000/- ની બાકી રકમ ચૂકવવામાં આનાકાની અને થાગાથૈયા કરવાનું શરૂૂ કર્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ફેડરેશનની કારોબારી સમિતિએ તત્કાળ જનરલ મીટિંગ બોલાવીને ધારા ઇન્ફોટેક સામે ધોરણસરની કાર્યવાહી કરવા માટે સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો, ત્યારબાદ નાછૂટકે ફેડરેશન દ્વારા રૂૂ. 4,00,000/- અને રૂૂ. 4,01,000/- ના બંને ચેકો પોતાની બેંકમાં ડિપોઝીટ કરવામાં આવતાં તે ’ફંડ ઇનસફિશિયન્ટ’ના શેરા સાથે પરત ફર્યા (બાઉન્સ થયા) હતા.
ચેક પરત ફર્યા બાદ ફેડરેશને પોતાના વકીલ મારફતે મુખ્ય આયોજક પ્રફુલ ચંદ્રેશાને કાનૂની (લીગલ) નોટિસ ફટકારી હોવા છતાં, તેમની તરફથી કોઈ જ રકમની ચુકવણી કરવામાં ન આવતાં, અંતે ફેડરેશન ઓફ આર્કિટેક્ટ્સ એન્ડ એન્જિનિયર્સના પ્રમુખ હાર્દિકભાઈ એ. દવે હસ્તક, ધારા ઇન્ફોટેકના પ્રોપરાઇટર સામે જામનગરની કોર્ટમાં ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ચેક રિટર્નની સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર કાનૂની જંગમાં ફેડરેશન ઓફ આર્કિટેક્ટ્સ એન્ડ એન્જિનિયર્સના એડવોકેટ તરીકે ભોજાણી એસોસિએટ્સના ધારાશાસ્ત્રી પિયુષ વિ. ભોજાણી, ભાવિન વિ. ભોજાણી, કિશોર ડી. ભટ્ટ, ભાવિન જે. રાજદેવ, અર્શ વાય. કાસમાણી, સચિન યુ. જોષી, આદિત્યદાન એસ. ગઢવી, અલ્કા પી. નથવાણી, અને જાનકી ગાગિયા રોકાયેલા છે.
