Site icon Gujarat Mirror

રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ પરના હુમલામાં યુવાનની માર માર્યાની વળતી ફરિયાદ

કુવાડવાના સણોસરામાં રહેતાં રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ ચેતનભાઇ કથીરીયા પર પ્રજાસત્તાક પર્વની સવારે ગામના જ ઇલ્યાસ નામના શખ્સે જુના મનદુ:ખનો ખાર રાખી લોખંડના પાઇપથી હુમલો કરી હાથના અંગુઠામાં ફ્રેકચર કરી નાંખ્યું હતું. આ બનાવમાં હવે સણોસરાના ઇલ્યાસભાઇ રહીમભાઇ શેરસીયા (ઉ.વ.41)એ વળતી ફરિયાદ નોંધાવી આરોપી તરીકે ચેતનભાઇ ચંદુભાઇ કથીરીયા, રવીભાઇ ચંદુભાઇ કથીરીયા અને ચોટી રાજસ્થાનીના નામ આપ્યા છે. આ ત્રણેયએ ઝઘડો કરી ધોકા-પાઇપથી હુમલો કરતાંપોતાને હાથના કાંડામાં અને આંગળીમાં ફ્રેકચર થઇ ગયાનું તેણે ફરિયાદમાં જણાવ્યું છે.

ઇલ્યાસભાઇએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે હું ખેતી કરી ગુજરાન ચલાવુ છું. 26મી જાન્યુઆરીએ સવારે સાડા દસેક વાગ્યે ગામના ગેઇટ પાસે હતો ત્યારે ચેતનભાઇ, રવિભાઇ અને તેની દૂકાનમાં કામ કરતાં ચોટી રાજસ્થાની મારી પાસે આવ્યા હતાં. જેમાં ચેતનભાઇએ-તું સાજો થઇ ગયો, અમારુ કોઇ કંઇ બગાડી નહિ લે તેમ કહ્યુ હતું. બાદમાં રવિભાઇ અને ચેતનભાઇએ પાઇપ, ધોકાથી હુમલો કર્યો હતો. ચોટીએ પણ ધોકાથી હુમલો કરી માને પગમાં માર માર્યો હતો. તેમજ બંને હાથમાં અને શરીરે ઇજાઓ થઇ હતી.માણસો ભેગા થઇ જતાં ચેતનભાઇએ આગળની તારી ફરિયાદ પાછી ખેંચી લેજે, ગામ મુકીને જતો રહેજે તેમ કહી ધમકી આપી હતી. મને ઇજા થઇ હોઇ અને માણસો ભેગા થઇ ગયા હોઇ હું ભાગી ગયો હતો. વાંકાનેર હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ડોક્ટરે એક્સ-રે કરતાં જમણા હાથના કાંડા અને ડાબા હાથની બીજી આંગળીમાં ફ્રેકચર થયાનું નિદાન થયું હતું. એ પછી હું ફરિયાદ નોંધાવવા આવ્યો હતો. કુવાડવા પીઆઇ બી.પી. રજયા, પીએસઆઇ એમ. જે. વરૂૂ અને સ્ટાફે વિશેષ કાર્યવાહી કરી બંને પક્ષે આરોપીઓની અટકાયત કરવા તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version