જામનગરમાં ફ્રોડના નાણા ખાતામાં લેનાર વધુ બે શખ્સો સામે ફરિયાદ

  ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચિયાઓ ને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે…

 

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચિયાઓ ને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતાધારકોને શોધવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ’ઓપરેશન મ્યુલ હન્ટ’ ચલાવવામાં આવી રહ્યું છે, જે ઝુંબેશ અંતર્ગત જામનગર જિલ્લામાં કુલ 24 પોલીસ ફરિયાદ નોંધાવાઈ ચૂકી છે, જેમાં વધુ એક ફરિયાદ નો ઉમેરો થયો છે, અને સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં 2 આરોપીઓ સામે વધુ એક ગુનો દાખલ કરાયો છે, જેઓ દ્વારા 9.90 લાખ નું અન ઓથોરાઈઝ ટ્રાન્જેક્શન કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. સરકાર પક્ષે સીટી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ સોનગરા ફરિયાદી બન્યા હતા, અને જામનગરમાં દિગ્વિજય પ્લોટમાં રહેતા વિમલ રાજેશભાઈ મહેતા તેમજ પુનિતભાઈ રાઠોડ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેઓ બન્ને દ્વારા બેંક ખાતુ ખોલાવીને કુલ 9,90,000 ની રકમ, કે જેનું અન ઓથોરાઈઝ ટ્રાન્જેક્શન કર્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 57 આરોપીઓ સામે 25 ફરિયાદ દાખલ કરી લેવાઇ છે, અને સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક ની તપાસ હાથ ધરીને કુલ 24 આરોપીઓને ઝડપી લેવાયા છે, અને અઢી કરોડથી વધુનું ગેરકાયદે ટ્રાન્ઝેક્શન સામે આવ્યું છે.