મોરબીના જેતપર ગામે પીએમ મોદી અને શાહના પુતળાનું દહન કરનાર 21 ખેડૂતો સામે ફરિયાદ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પ્રસંગે જેતપર ગામે મોડી રાત્રે પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું કોઈપણ જાતની મંજુરી લીધા…

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પ્રસંગે જેતપર ગામે મોડી રાત્રે પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું કોઈપણ જાતની મંજુરી લીધા વિના પુતળા દહન કાર્યક્રમ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસ ઈન્સ્પેકટરે ફરિયાદી બની 21 આરોપીઓના નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મોરબી તાલુકા પીઆઈ નીલેશભાઈ ઘેટિયાએ આરોપીઓ નેહુલ ધીરજલાલ અમૃતિયા, હર્ષદ ચતુરભાઈ અઘારા, રાજુભાઈ ભુદરભાઈ કંડિયા, દીપક નાથાભાઈ ઝાકાસણીયા, લાલજી ઘનશ્યામભાઈ જાકાસણીયા, લલિત ઉર્ફે ભોટીયો ચીકુભાઈ અઘારા, કોકાભાઈ બચુભાઈ કંડિયા, અમિત બચુભાઈ કંડિયા, નરેશ બચુભાઈ અઘારા, નંદલાલ પ્રભુભાઈ અમૃતિયા, ગોવિંદ ધરમશીભાઈ અમૃતિયા, ચતુર છગનભાઈ અઘારા, લાભુભાઈ અમરશીભાઈ વરસડા, હિરેન ચંદુભાઈ અઘારા, વિપુલ મગનભાઈ કંડિયા, ખુશાંગીબેન રાજેશભાઈ અઘારા, દર્શનાબેન ઉર્ફે ગુડીબેન હર્ષદભાઈ અઘારા, મિતલબેન વિપુલભાઈ કંડિયા, જ્યોતિબેન નીકેતભાઈ પંચાસરા રહે બધા જેતપર તેમજ નિરૂૂભા પ્રમોદ્સિંહ જાડેજા અને હીરજીભાઈ દેવજીભાઈ દેત્રોજ રહે બંને કુંભારિયા તા. માળિયા એમ 21 આરોપીઓના નામજોગ તેમજ કાર્યક્રમના આયોજકો અને આગેવાન તેમજ તપાસમાં ખુલે તે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

જે ફરીયાદમાં જણાવ્યું છે કે તા. 17 ના રાત્રીના 11 વાગ્યાના અરસમાં આરોપીઓએ કાવતરું રચી કોઈપણ પ્રકારની મંજુરી મેળવ્યા વિના ગેરકાયદેસર દોમ પાસે સરકારના વહીવટી તંત્રની મંજુરી વિના સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી લાકડાના ધોકા સાથે ગેરકાયદેસર મંડળી બનાવી હુલડ કરી, રાજ્ય સેવા દ્વારા જાહેર કરેલ હુકમનું પાલન ના કરી, સાર્વજનિક માર્ગ પર ગેરકાયદેસર અવરોધ ઉભો કરી, પૂતળામાં જવલનશીલ પ્રવાહી છાતી અગ્નિ પ્રગટાવી ભયનું વાતાવરણ ઉભું કરી માનવજીવ અને મિલકતને નુકશાન થાય તેમ જાણવા છતાં તેવું કૃત્ય કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવા નારેબાજી કરી અન્યોને ઉશ્કેરી પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રીના પુતળાનું દહન કરી નારેબાજી કરી ઈરાદાપૂર્વક અપમાન કરી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાં ભંગ કર્યો છે મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ 61 (2). 126, 189 (2), 192, 223, 285 અને 287 તેમજ જી પી એક્ટની કલમ 135 મુજબ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.