ચોટીલાના અભેપર ગામેથી કોલસાનું ખનન ઝડપાયું

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેક્ટર એસ.વી. કલસરીયા અને તેમની ટીમે થાનગઢ તાલુકામાં 2 અલગ-અલગ સ્થળે તપાસ કરીને ₹48.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડા દરમિયાન…

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેક્ટર એસ.વી. કલસરીયા અને તેમની ટીમે થાનગઢ તાલુકામાં 2 અલગ-અલગ સ્થળે તપાસ કરીને ₹48.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

દરોડા દરમિયાન માટી ભરેલું ડમ્પર, ટ્રેક્ટર અને 20 મેટ્રિક ટન કોલસો મળી આવતા તંત્ર દ્વારા કુલ 9 લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમજ જપ્ત કરાયેલો મુદ્દામાલ થાનગઢ મામલતદાર કચેરી ખાતે ખસેડાયો હતો.

ખાખરાવાળી ગામની સીમમાં તપાસ દરમિયાન રોયલ્ટી પાસ વગરની સાદી માટી ભરેલું ડમ્પર અને કોલસાના ખનન માટે વપરાતું કમ્પ્રેસર મશીન સાથેનું સ્વરાજ કંપનીનું ટ્રેક્ટર મળી આવ્યું હતું. ટીમે આ બંને વાહનો જપ્ત કર્યા હતા, જેની કિંમત ₹47.10 લાખ આંકવામાં આવી છે. વાહનોના માલિક તરીકે ખાખરાથળના હિરાભાઈ રબારી અને ખાખરાવાળીના રમેશભાઈ કાંજીયાનાં નામ નોંધાયાં છે.

અભેપર ગામના ખાનગી સર્વે નંબર 11ની જમીનમાં તપાસ દરમિયાન ગેરકાયદે કોલસાનું ખનન થતું હોવાનું સામે આવ્યું હતું. અહીંથી 20 મેટ્રિક ટન કોલસો, 1 ચરખી-બકેટ અને 1 ડીઝલ મશીન સહિત ₹1.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જમીનના કબજેદારો તરીકે અભેપરના રંભાબેન, વિનોદભાઈ, જયેશભાઈ, સંજયભાઈ, ગીતાબેન અને ભાવુબેન તેમજ મોરથળાના ગોપાલભાઈ દેગામાનાં નામ સામે આવ્યાં છે.
ચોટીલા નાયબ કલેક્ટરની ટીમ દ્વારા પકડાયેલા તમામ 9 લોકો સામે ગુજરાત મિનરલ (ગેરકાયદે ખનન, વહન અને સંગ્રહ અટકાવવા) નિયમો, 2017 અને લેન્ડ રેવન્યુ કોડ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.