ગુજરાતમાં મેઘરાજાનું મોંઘેરૂ આગમન થયા બાદ ગઇકાલે પણ 76 તાલુકામાં વરસાદ પડતા ખેડુતોમાં આશા જાગી છે. આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન 76 તાલુકામાં સામાન્ય ઝાપટાથી માંડી 4.57 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ હાલોલમાં 4.57 ઇંચ, ગોધરામાં 3.3 ઇંચ, જાંબુઘોડામાં 3.15 ઇંચ, બરવાળામાં 2.76 ઇંચ, કડીમાં 2.56 ઇંચ, ધોધંબા, નડીયાદ, મોરવા (હડફ)માં બેથી સવા બે ઇંચ તેમજ બોડેલી, કોઠંબા, જેતપુરપાયી, સંતરામપુર, ધંધુકા, કલોલ, સાવલી, ગળતેશ્ર્વર અને વડાળી તથા જામનગરમાં એક ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો.
દરમિયાન આજે સવારથી પણ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે અને સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં કુલ 46 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ગળતેશ્ર્વરમાં ગઇકાલે 1 ઇંચ પડયા બાદ સવારે 2.91 ઇંચ વરસાદ પડી ગયો હતો. જયારે કલોલ- ગોધરા અને બોડેલીમાં પણ બેથી અઢી ઇંચ, મોરવામાં 1.81 ઇંચ, ધોધંબામાં 1.70, ડેસરમાં 1.30 ઇંચ વરસાદ નોંધાયો છે. સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
ડેસરમાં કોઝવે તુટયો
ડેસર તાલુકામાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદને પગલે કરડ નદી પર આવેલો અને ધનતેજ તથા સધાપુરા ગામને જોડતો મહત્વનો કોઝવે પાણીના ધસમસતા પ્રવાહમાં ધોવાઈ ગયો છે. ડાઈવર્ઝન પાસેનો આ મુખ્ય કોઝવે તૂટી જતાં માર્ગને ભારે નુકસાન પહોંચ્યું છે અને વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂૂપે કરડ નદી પરનો આ આખો માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.
આ મુખ્ય સંપર્ક માર્ગ તૂટી પડવાના કારણે બંને ગામના સ્થાનિક લોકોની અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. કોઝવે ધોવાઈ જતાં સ્કૂલે-કોલેજે જતા વિદ્યાર્થીઓ, ખેતરે જતા ખેડૂતો અને રોજગાર માટે સવારે નીકળતા નોકરીયાત વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાયો છે. ગ્રામીણ જનજીવન અસ્તવ્યસ્ત થઈ જતાં લોકોએ લાંબો ફેરો ખાવાની ફરજ પડી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભાવનગર-તળાજા
ભાવનગરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અસહ્ય ઉકળાટ અને બફારા બાદ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને મેહુલિયાએ અમી છાંટણાં કર્યાં હતાં.
કાલે બપોરે ભાવનગર શહેરમાં ચોમાસાની સીઝનનો આ પહેલો વરસાદ ધીમી ધારે શરૂૂ થયો હતો. લાંબા સમયની આકરી ગરમીથી તોબા પોકારી ગયેલા સ્થાનિકોને આ વરસાદી ઝાપટાંથી મોટી રાહત મળી છે. વરસાદના આગમન સાથે જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોમાં ભારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગર ના નારી ગામે સરકારી હોસ્પિટલ પાસે વીજળીના થાંભલા માં શોર્ટ સર્કિટ હતા પેલા વરસાદે જ વીજતંત્ર ની પોલ ખુલી ગઈ હતી.
તળાજા શહેર અને તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે ઝરમરથી લઈ નેવાધાર વરસ્યો હતો.બપોર સુધી ભારે તડકો,તાપ અને ગરમી જેવુ વાતાવરણ હતું. તેમા અચાનકજ બદલાવ આવ્યોહતો.ભીમ અગિયારસ પહેલા વાવણી લાયલ વરસાદ થઈજાય તોજે ખેડૂતો ને વાવણી બાકી હશેતેના માટે શુકનવંતી વાવણી ગણાશે.
દિલ્હી-મુંબઇ કોરીડોરના કારણે મીરાખેડીના ખેતરો જળબંબાકાર
દાહોદ જિલ્લાના લીમડી તાલુકામાં આવેલા મીરાખેડી ગામે પહેલા જ વરસાદમાં વિકાસની કામગીરી વિનાશ નોતરતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. દેશના મહત્વાકાંક્ષી ’દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે કોરિડોર’ના નિર્માણમાં રાખવામાં આવેલી ઘોર બેદરકારીના કારણે આજે આખું મીરાખેડી ગામ અને તેના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હાઇવેના કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કર્યા વિના જ આડેધડ કામગીરી કરવામાં આવી હોવાથી વહેલી સવારના વરસાદમાં જ ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, દિલ્હી-મુંબઈ કોરિડોર હાઈવેના નિર્માણ સમયે કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષો જૂના કુદરતી પાણીના વહેણ અને નાળાઓને પૂરી દેવામાં આવ્યા હતા. હાઇવેની નીચે પાણી પસાર થવા માટે કોઈ વૈકલ્પિક પાઇપલાઇન કે કલવર્ટ બનાવવામાં આવ્યા નથી. પરિણામે, ચોમાસાના આ પ્રારંભિક ભારે વરસાદનું તમામ પાણી આગળ જવાને બદલે પાછું મારીને આજુબાજુના સેંકડો એકર ખેતરોમાં ઘૂસી ગયું છે અને ઊભો પાક પાણીમાં ડૂબી ગયો છે.
