જામનગરના પીપળીમાં બે પરિવાર વચ્ચે ડખ્ખો, મહિલા પર હુમલો

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામમાં બે પરિવારજનો વચ્ચે થયેલા ઝગડામાં એક મહિલા પર હુમલો અને માનસિક ત્રાસ આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે…

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામમાં બે પરિવારજનો વચ્ચે થયેલા ઝગડામાં એક મહિલા પર હુમલો અને માનસિક ત્રાસ આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે લાલપુર પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પીપળી ગામ ચારણ નેસમાં રહેતી લાખીબેન ભાઇજીભાઇ ગોદાણી (ઉંમર 35 વર્ષ)એ ફરિયાદ નોંધાવી હતી કે તા. 30/04/2026ના રોજ બાળકો રમતા હોવાની બાબતે પડોશીઓ સાથે બોલાચાલી થઇ હતી.

આ બાબતનો ખાર રાખી તા. 01/05/2026ના રોજ આરોપીઓ દેવજીભાઇ લાખણભાઇ ગોદાણી, કરમણભાઇ ઉર્ફે કાનો લાખણભાઇ ગોદાણી, સુમીબેન લાખણભાઇ ગોદાણી, ડાઇબેન લાખણભાઇ ગોદાણી અને લક્ષ્મીબેન ઉર્ફે પૂનીબેન લાખણભાઇ ગોદાણી (તમામ રહે. પીપળી ગામ) દ્વારા ફરીયાદીને વારંવાર અપમાનજનક શબ્દો બોલી માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો.ફરીયાદ મુજબ, ગામના ફળીયામાં પાણીના દારે કપડા ધોવા ગયેલ સમયે આરોપીઓએ ફરીયાદીને ધક્કો મારી ઢીકાપાટુ માર્યો હતો.

તેમજ હાથ પકડીને માર મારતા આજે મારી નાખવી છે તેવી ધમકી પણ આપવામાં આવી હતી. આરોપીઓએ એકબીજાની મદદથી હુમલો કર્યો હોવાનું પણ જણાવાયું છે.આ બનાવ અંગે લાલપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.

દેલદેવળિયામાં ભરવાડ યુવાન ઉપર કુહાડીથી થયો હુમલો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના દલદેવળીયા ગામ નજીક ગંભીર મારામારીની ઘટના સામે આવી છે. તા. 29/04/2026ના રોજ રાત્રે આશરે 8:00 થી 8:15 વાગ્યાના સમય દરમિયાન દલદેવળીયાથી સડોદર જતા રસ્તા પાસે, રોડથી અંદાજે 100 મીટર દૂર ખારા સીમ વિસ્તારમાં જાહેરમાં આ બનાવ બન્યો હતો.ફરિયાદી મનોજભાઈ ખોડાભાઈ વકાતર (ઉંમર 33, રહે. દલદેવળીયા, વ્યવસાય ખેતી અને ટ્રાન્સપોર્ટ)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી મચ્છાભાઈ ઘુસાભાઈ હાડગરડા (રહેવાસી દલદેવળીયા)એ જૂના વેરઝેરના કારણે ઝઘડો શરૂૂ કર્યો હતો. આરોપીએ તું ગામમાં તારા ટેમ્પાના ફેરા કેમ કરે છે, હવે ફેરા કરતો નહિ નહિતર તારા ટાંટીયા ભાંગી નાખીશ અને જીવતો નહિ રહેવા દઉં તેવી ધમકી આપી ગાળો બોલી હતી.ત્યારબાદ આરોપીએ કુહાડી વડે હુમલો કરીને ફરીયાદીના ડાબા કાન ઉપર એક ઘા અને માથાના પાછળના ભાગે બીજો ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બનાવ બાદ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.આ મામલે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 118(1), 117(2), 352, 351(3) તથા જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એ.એસ.આઇ. ડી.આર. સાગઠીયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.