ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ખાલિસ્તાનીઓનો સૂત્રોચ્ચાર, ભારત સમર્થકોએ જોરદાર જવાબ આપ્યો: પોલીસનો હસ્તક્ષેપ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ મેલબોર્નમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચની શરૂૂઆત પહેલા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર ખાલિસ્તાની અને ભારતીય સમર્થકો વચ્ચે અથડામણ શરૂ થઇ હતી.
એક ડઝન ખાલિસ્તાની લોકો ઝંડા લઈને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, જેનો ભારતીય સમર્થકોએ જોરદાર વિરોધ કર્યો હતો. ભારતીય સમર્થકોએ ભારત ઝિંદાબાદના નારા લગાવીને તેમને શાંત પાડ્યા હતા. આ અથડામણનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ આજથી એટલે કે 26 ડિસેમ્બરથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ ટેસ્ટ મેચ પહેલા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર ખાલિસ્તાની અને ભારતીય સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ખાલિસ્તાન સમર્થકો અને ભારતીય ચાહકો હાથમાં ઝંડા લઈને સતત નારા લગાવતા એકબીજા સાથે લડી રહ્યાં છે.
આ ઘટના આજે સવારે બની હતી, જ્યારે ભારતીય ચાહકોની ખાલિસ્તાની સમર્થકો સાથે ઘર્ષણ થયું હતું, જેમને પાછળથી વિક્ટોરિયા પોલીસે વિખેરી નાખ્યા હતા. મેલબોર્ન ટેસ્ટ મેચની ટિકિટ ન હોવા છતાં ખાલિસ્તાની સમર્થકો માત્ર હંગામો કરવા માટે સવારે પહોંચ્યા હતા. જો કે ટૂંક સમયમાં જ પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ડેબ્યૂ મેચમાં કાંગારુ ખેલાડીએ ધક્કો મારતા દલીલબાજી
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી બોક્સિંગ ડે ટેસ્ટ મેલબોર્નમાં આજે શરૂ થઇ છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયા નવી ઓપનિંગ જોડી સાથે મેદાનમાં ઉતર્યું હતું. સેમ કોન્સ્ટાસને મેલબોર્નમાં ટેસ્ટ ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો અને તેની પહેલી જ મેચમાં સેમની ટક્કર ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી સાથે થઈ. વિરાટ અને સેમ વચ્ચે થોડી દલીલ પણ જોવા મળી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આજે મેલબોર્ન ટેસ્ટનો પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસે સેમ કોન્સ્ટાસે શાનદાર બેટિંગ કરી હતી. વિરાટ કોહલી અને સેમ વચ્ચે પહેલા દિવસે થોડી દલીલ થઈ હતી. ખરેખર ઇનિંગની 10મી ઓવર દરમિયાન, જ્યારે વિરાટ કોહલી આ યુવા બેટ્સમેન પાસેથી પસાર થયો, ત્યારે તેમના ખભા અથડાયા, ત્યારબાદ બંને વચ્ચે ટૂંકી બોલાચાલી થઈ અને અમ્પાયરે દરમિયાનગીરી કરવી પડી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

