બાબરિયા કોલોનીમાં બે પરિવારો વચ્ચે ધિંગાણું,ચાર ઘવાયા

રાજકોટ શહેરના બાબરિયા કોલોની શેરી નંબર 01 પાસે પરમેશ્વર સોસાયટી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બે પડોશી પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. મામલો…

રાજકોટ શહેરના બાબરિયા કોલોની શેરી નંબર 01 પાસે પરમેશ્વર સોસાયટી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બે પડોશી પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. મામલો એટલી હદે બિચક્યો હતો કે બંને પક્ષના લોકો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર લોખંડના પાઇપ, વજનકાંટા તેમજ ઇંટો વડે હુમલો કરી દીધો હતો. આ હિંસક અથડામણમાં પુરુષો તેમજ મહિલાઓ સહિત બંને પક્ષના અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં સામસામે ગુનો નોંધવામાં આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે પ્રથમ ફરિયાદ ડાભી પરિવારના પારસભાઈ રમેશભાઈ ડાભી નામના મજૂર યુવકે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ઘર પાસે આવીને ઝઘડો કરી હરેશભાઈ પુંજાભાઈ સમેસાએ તેમની પાસે રહેલા લોખંડના પાઇપ વડે હુમલો કરી ડાબા કાનના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત હરેશભાઈ અને તેમના પિતા પુંજાભાઈ લાલુભાઈ સમેસાએ ભેગા મળીને તેમને ઢીકાપાટુનો માર માર્યો હતો. ઝઘડા દરમિયાન પારસભાઈ પુંજાભાઈ સમેસાએ ફરિયાદીની માતા રેખાબેનને માથાના ભાગે લોખંડનો પાઇપ મારી દીધો હતો, જ્યારે રવીભાઈ ચંદુભાઈ સમેસાએ તેમની બહેન કાજલબેનને માથામાં લોખંડનો પાઇપ મારી લોહીલુહાણ કરી દીધી હતી.

આટલેથી ન અટકતા શોભનાબેન વાજેલીયા નામના મહિલાએ નાક તથા માથાના ભાગે ઇંટ વડે ફટકા માર્યા હતા, જ્યારે પુંજાભાઈ સમેસાએ ફરિયાદીના ભાઈ અજયભાઈને ડાબા હાથના કાંડા પર લોખંડનો પાઇપ મારી ઇજા પહોંચાડી હતી. આ હુમલામાં હરેશભાઈ, પુંજાભાઈ, પારસભાઈ, રવીભાઈ, કિશનભાઈ, કેશરબેન અને શોભનાબેન સહિતના તમામ લોકોએ એકસંપ થઈને હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. ઘટના બાદ ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે રીક્ષા મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ સામા પક્ષેથી શોભનાબેન વાજેલીયાએ પણ ભક્તિનગર પોલીસ મથકમાં ક્રોસ ફરિયાદ નોંધાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, પારસભાઈ રમેશભાઈ ડાભીએ તેમના ઘર પાસે આવીને ઝઘડો કર્યો હતો અને તેમના ભાઈ હરેશભાઈને માથાના ભાગે લોખંડનો વજનકાંટો મારીને ઈજા પહોંચાડી ભાગી ગયા હતા. ત્યારબાદ આ ઝઘડા અંગે વાતચીત કરવા માટે જ્યારે તેઓ પારસભાઈના ઘર પાસે ગયા ત્યારે ત્યાં હાજર અજયભાઈ ડાભી, રેખાબેન ડાભી, આરતીબેન ડાભી અને કાજલબેન ડાભી નામના લોકોએ તેમની સાથે ફરી ઝઘડો શરૂૂ કર્યો હતો.

આ વાતચીત દરમિયાન અજયભાઈ ડાભીએ પોતાના હાથમાં રહેલો લોખંડનો પાઇપ શોભનાબેનના પિતા પુંજાભાઈના માથામાં મારી દઈ ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમજ રેખાબેન, આરતીબેન અને કાજલબેને મળીને શોભનાબેન તથા તેમના માતા કેશરબેનને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. આમ, બંને જૂથ વચ્ચે થયેલી અથડામણમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થતાં હાલ સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે. બી. રાણીંગાએ બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.