ઇલેકટ્રીક બજારમાં CGSTના કાફલા અને વેપારીઓ વચ્ચે બઘડાટી

રાજકોટ શહેરના સાંગણવા ચોક ઇલેકટ્રીક માર્કેટમાં નવરાત્રી- દિવાળીના તહેવારોની ઘરાકી સમયે જ સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ દરોડા માટે ઉતરી પડતા વેપારીઓમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો…

રાજકોટ શહેરના સાંગણવા ચોક ઇલેકટ્રીક માર્કેટમાં નવરાત્રી- દિવાળીના તહેવારોની ઘરાકી સમયે જ સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ દરોડા માટે ઉતરી પડતા વેપારીઓમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો અને ભારે દેકારો મચી જતા વેપારીઓ દુકાનો બંધ કરીને વિરોધ માટે રસ્તા પર ઉતરી જતા વાતાવરણ તંગ બની ગયું હતું.
જાણવા મળતી વિગતો મુજબ સાંગણવા ચોક ઇલેકટ્રીક બજારમાં આજે સવારથી સેન્ટ્રલ જીએસટી વિભાગના અધિકારીઓનો મોટો કાફલો ત્રાટકયો હતો અને 9 જેટલી દુકાનોમાં જીએસટી ચોરી અંગે તપાસ શરૂ કરી હતી.

હાલ નવરાત્રીના તહેવારોના કારણે ઇલેકટ્રીક બજાર મોડી રાત સુધી ખુલ્લી રહેતી હોય, સવારમાં દુકાનો ખોલતા વેંત જીએસટીના અધિકારીઓ ત્રાટકતા વેપારીઓ અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર જીભાજોડી સાથે બબાલ સર્જાઇ હતી અને રોષે ભરાયેલા વેપારીઓ દુકાનો બંધ કરીને રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.
રોષે ભરાયેલા વેપારીઓએ ‘દરોડારાજ બંધ કરો… અધિકારી રાજ બંધ કરો’ના સુત્રોચ્ચાર કરી જે દુકાનો ખુલ્લી હતી તે પણ બંધ કરાવી હતી અને સ્ટાફનો હુરિયો બોલાવ્યો હતો.

વેપારીઓએ રોષભેર જણાવ્યું હતું કે, મંદીની સીઝનમાં હાલ નવરાત્રી અને દિવાળીની માંડ ખરીદી નીકળી છે ત્યાં સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ દરોડા પાડવા ઉતરી પડયા છે ત્યારે અમારે ધંધો કરવો કે, અધિકારીઓને હિસાબો આપવા?

વેપારીઓ અને સેન્ટ્રલજીએસટીના સ્ટાફ વચ્ચે ઘર્ષણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા. ધારાસભ્ય અને ચેમ્બરમાં રજૂઆત
સાંગણવા ચોક વિસ્તારમાં અંદાજે 400 થી 450 જેટલા વેપારીઓ વેપાર કરી રહ્યા છે. અચાનક થયેલી આ કાર્યવાહી સામે વેપારી એકતા દર્શાવી તમામ એકઠા થયા હતા. વેપારી આગેવાનો દ્વારા આ મામલે સ્થાનિક ધારાસભ્ય, ચેમ્બર ઓફ કોમર્સ તેમજ ભાજપ સંગઠન સમક્ષ તાત્કાલિક રજૂઆત કરવામાં આવી છે. વેપારીઓની સ્પષ્ટ માંગણી છે કે, તહેવારોના દિવસો દરમિયાન આ પ્રકારની તાનાશાહી બંધ કરવામાં આવે અને નાના વેપારીઓને કોઈપણ પ્રકારની પજવણી કર્યા વિના શાંતિપૂર્ણ રીતે વેપાર કરવા દેવામાં આવે.