મરચા પાઉડરના ભેળસેળિયા વેપારીને છેક નવ વર્ષે થઇ એક માસની જેલ સજા

ખાણીપીણીની ચીજવસ્તુમાં ઘાતક ભેળસેળિયા કરનારા સમાજના દુશ્મન સમાન ધંધાર્થીઓ પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા પહેલા સો વખત વિચારે તેવી ત્વરિત આકરી સજા આપવામાં ન્યાયતંત્રમાં જાણે…

ખાણીપીણીની ચીજવસ્તુમાં ઘાતક ભેળસેળિયા કરનારા સમાજના દુશ્મન સમાન ધંધાર્થીઓ પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા પહેલા સો વખત વિચારે તેવી ત્વરિત આકરી સજા આપવામાં ન્યાયતંત્રમાં જાણે પંચ વર્ષિય યોજના હોય તેવા વર્ષોના વહાણા વીતી જાય છે અને ત્યા સુધીમાં તો સેંકડો, હજારો, લાખો લોકોના પેટમાં ભેળસેળયુક્ત ખાદ્યસામગ્રી પધરાવાઇને ગંભીર બીમારીનો શિકાર બની જાય છે. રાજકોટમાં ન્યાયની આવી જ ધીમી પ્રક્રિયાનો વધુ એક કિસ્સો બન્યો છે.

એપ્રિલ-2017માં શહેરના સોરઠિયાવાડી સર્કલ પાસેની મરચા પીઠમાંથી મનહરલાલ સાતા નામના વેપારીને ત્યાથી ઘાતક કેમીકલ કલર ચડાવેલા મરચા પાંઉડરના સેમ્પલ ફેઇલ થયા હતા. તેની સામેનો કેસ ચાલી જતા આજે છેક નવ વર્ષે આ વેપારીને એક મહિનાની જેલ અને રૂૂ.દોઢ લાખના દંડની સજા કોર્ટે ફટકારી છે.

રાજકોટની મ્યુનિ.કોર્ટમાં હાલ સંખ્યાબંધ કેસ પેન્ડીંગ છે. એવા તો ઘણા કેસ છે કે જેમનો નિવેડો પાંચ-સાત વર્ષ વીતી ગયા હોવા છતા હજુ સુધી આવ્યો નથી. ખરેખર તો ફૂડમાં ભેળસેળના કેસમાં ત્વરિત સજાનો ચુકાદો આવવો જોઇએ જેથી પ્રજાના આરોગ્ય સાથે ઘાતક ચેડા કરનારાઓને સખત નશિયત મળે. આવા અન્ય ધંધાર્થીઓ પણ ભેળસેળ કરતા ફફડે. દરમિયાન 18 એપ્રિલ 2017ના રોજ સોરઠિયાવાડી સર્કલ પાસે ભરાતી મરચા પીઠમાં મનહરલાલ સાતા નામના એક વેપારીને ત્યાથી મરચા પાંઉડરના સેમ્પલ લેવાયા હતા. લેબોરેટરી પરિક્ષણમાં ચોંકાવનારો રિપોર્ટ આવ્યો હતો.

હલકી ગુણવતાના મરચાનો પાંઉડર કરી તેમા કલર ચડાવવા માટે ડાયમાં વપરાય તેવો ઘાતક કેમીકલયુક્ત કલરનું મિશ્રણ કરવામા આવતુ હતુ. આવુ મરચુ જો નિયમિત પેટમાં જાય તો આંતરડા, હોજરી, ગળાનું કેન્સર થઇ શકે છે.વેપારી મનહરલાલ સાતા સામે કોર્ટમાં કેસ દાખલ થયો હતો. મનપા તરફથી કોર્ટમાં લેબોરેટરી પરિક્ષણ રિપોર્ટ, મરચા પાંઉડરમાં થયેલા ઘાતક કલરની આરોગ્ય ઉપર થતી અસરના તબીબી સચોટ તારણો સહિતના પુરાવા રજુ થયા હતા. નવ વર્ષ સુધી આ કેસ ચાલ્યો. આજે આટલા વર્ષ પછી વેપારીને સજા મળી છે. કોર્ટે વેપારી મનહરલાલ સાતાને એક માસની જેલની સજા અને રૂૂ.દોઢ લાખનો દંડ કરવા હુકમ કર્યો છે.