ગુજરાત
મુખ્યમંત્રીએ ફટાકડા ફોડી પરિવાર સાથે ઉજવી દિવાળી
સામાન્ય માનવીથી લઈને મુખ્યમંત્રી સુધીની વ્યક્તિ પણ આ પર્વ પોતાના પરિવાર, સ્વજનો અને વ્હાલસોયા ભૂલકાંઓ સાથે ઉજવે તેની ખુશી કંઈક જુદી જ હોય છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની સાહજિકતા, સરળતા અને નિખાલતાનો પરિચય વધુ એકવાર દિવાળીના પર્વમાં પૂરો પાડ્યો છે. ભૂપેન્દ્ર પટેલ કોઈ જ ઔપચારિકતા વિના પોતાના લાડકવાયા પૌત્ર સાથે સામાન્ય માનવીની જેમ જ ફટાકડા ખરીદી કરવા પહોંચી ગયા. એટલું જ નહીં, તેમણે પરિવારજનો સાથે ઉલ્લાસથી ફટાકડા ફોડીને દિવાળીની ખુશાલી મનાવી હતી.
આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગર સ્થિત અંધ ક્ધયા પ્રકાશ ગૃહમાંથી દીવડાની ખરીદી કરી હતી. આ દીવા અંધ ક્ધયા પ્રકાશ ગૃહની દિવ્યાંગ છાત્રાઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. દિવ્યાંગ દીકરીઓની આ કલાને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દાત ભાવથી મુખ્યમંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ દીવડાઓની ખરીદી કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત સૌને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.
ગાંધીનગર-અમદાવાદમાં શુભેચ્છા આપ-લે કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર081ના પ્રારંભ દિવસે તારીખ 2 નવેમ્બર, શનિવારે સવારે 7:00 કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે ત્યારબાદ તેઓ 07:30 વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપૂજા માટે જશે. મુખ્યમંત્રી ત્યાર બાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્ટર ખાતે સવારે 8:00 થી 8:45 સુધી નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે. મુખ્યમંત્રી ત્યાર બાદ સવારે 8.50 કલાકે રાજ ભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ને નૂતન વર્ષ શુભેચ્છાઓ પાઠવવા જશે ત્યારબાદ સવારે 10:30 થી 11:30 કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. તે પહેલાં સવારે 10:00 વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે. ઉપરાંત નૂતન વર્ષ દિવસે બપોરે 11:45 કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.