જિલ્લામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી, ગોંડલની બાળકી પોઝિટિવ, બે શંકાસ્પદ દર્દીઓ દાખલ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ વધ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા પણ આ વાયરસનો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે. ગોંડલના પાંચયાવદરની સંક્રમિત બાળકીની તબિયત…

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ વધ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા પણ આ વાયરસનો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે. ગોંડલના પાંચયાવદરની સંક્રમિત બાળકીની તબિયત લથડતાં તેને તાત્કાલિક ધોરણે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તબીબોની દેખરેખ હેઠળ તેની વિશેષ સારવાર ચાલી રહી છે. આ કેસ સામે આવ્યા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ સજ્જ થઈ ગયું છે. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા વધુ બે શંકાસ્પદ દર્દીઓને પણ દાખલ કરવામાં આવ્યા છે અને તેમની પણ સઘન તપાસ તથા સારવાર શરૂૂ કરવામાં આવી છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગયું છે. સંક્રમિત બાળકીના ગામ એવા પાંચીયાવદળ ખાતે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. ગામમાં મચ્છરો અને જીવાતોના ઉપદ્રવને ડામવા માટે દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે તેમજ ઘર-ઘર સર્વે કરીને શંકાસ્પદ દર્દીઓની શોધખોળ અને સેમ્પલ લેવાની કામગીરી પણ પૂરઝડપે ચાલી રહી છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડફ્લાય (રેતીની માખી) ના કરડવાથી ફેલાય છે અને ખાસ કરીને નાના બાળકોને ઝડપથી પોતાની ચપેટમાં લે છે.

આ વાયરસના લક્ષણોમાં અચાનક તાવ આવવો, ઉલટી થવી, બેભાન થવું કે આંચકી આવવી જેવી બાબતો સામેલ છે. તંત્ર દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવી છે કે બાળકોમાં કોઈપણ શંકાસ્પદ લક્ષણ જણાય તો તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં સંપર્ક કરવો અને કોઈપણ પ્રકારની બેદરકારી ન દાખવવી. વહીવટી તંત્ર દ્વારા આ રોગચાળો વધુ ન ફેલાય તે માટે તમામ જરૂૂરી નિવારક પગલાં લેવામાં આવી રહ્યા છે.