બે તબક્કામાં જનગણના કરાશે, હાલમાં હાઉસ લિસ્ટિંગની કામગીરી શરૂ કરાઇ
સાહિત્ય ન પહોંચતા હજુ કામગીરી શરૂ થવામાં 3 થી 4 દિવસ સુધીનો સમય લાગવાની શકયતા
રાજકોટ જિલ્લા અને વસ્તીગણતરી-2027 અંતર્ગત 1 જૂનથી હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ ઓપરેશનની કામગીરીનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અને પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર ડો. ઓમ પ્રકાશના નિર્દેશ હેઠળ સમગ્ર જિલ્લામાં ગણતરીદારો દ્વારા કામગીરી શરૂૂ કરવામાં આવી છે. પરંતુ હજી સુધી મોટાભાગના કર્મચારીઓના મોબાઇલમાં એપ્લિકેશન લોગીન, સર્વર ડાઉન તેમજ સાહિત્ય ન પહોંચવા હોવાના કારણે મોટાભાગના વિસ્તારોમાં હજી સુધી વસ્તી ગણતરી શરૂૂ કરવામાં આવી નથી. શરૂૂ થવામાં હજી પણ ત્રણથી ચાર દિવસ લાગી શકે છે.
રાજકોટ શહેરના તમામ 18 વોર્ડમાં વસ્તી ગણતરીની કામગીરી કરવામાં આવી રહી છે. 4200 જેટલા કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ નું કામગીરી કરવામાં આવશે. બીજા તબક્કામાં પરિવારની માહિતી લેવામાં આવશે. સુપરવાઇઝર અને ગણતરીદાર દ્વારા પ્રથમ તબક્કાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના વોર્ડ નંબર 12 માં સવારના સમયે કામગીરી કરવામાં આવી રહ્યા છે.
વસ્તીગણતરી માટે 15 મેથી 31 મે સુધી ઘરે બેઠા ઓનલાઈન માહિતી સબમિટ કરવા માટે સેલ્ફ રજીસ્ટ્રેશનની સુવિધા આપવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન રાજકોટ જિલ્લામાંથી 19,000થી વધુ લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને વહીવટી તંત્રને સહયોગ આપ્યો છે.
જિલ્લાના 11 તાલુકા, 6 નગરપાલિકા અને એક ઔદ્યોગિક નોટિફાઈ એરિયામાં કુલ 2711 ગણતરીદારો તૈનાત કરવામાં આવ્યા છે. તેમની કામગીરીના નિરીક્ષણ માટે 446 સુપરવાઇઝર્સની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે 271 ગણતરીદારો અને 48 સુપરવાઇઝર્સને રિઝર્વ રાખવામાં આવ્યા છે. આમ, કુલ 3400થી વધુ કર્મચારીઓ આ પ્રક્રિયામાં જોડાયા છે.
વહીવટી તંત્ર દ્વારા 1 જૂનથી કામગીરી શરૂૂ કરવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, ગ્રાઉન્ડ લેવલ પર ટેકનિકલ સમસ્યાઓ નડી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અનેક ગણતરીદારોના મોબાઈલમાં લોગ-ઈન અને સર્વર એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. આ પરિસ્થિતિને જોતા મોટાભાગના વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા 4 થી 5 જૂન આસપાસ વેગ પકડશે તેવું માનવામાં આવી રહ્યું છે.
