ગુજરાત
કસિનોનો કકળાટ : હારી ગયેલા મિત્રને ઉછીના આપેલા રૂપિયા એક લાખની ઉઘરાણી કરી ચાર શખ્સોએ કર્યો હુમલો
મોરબી રોડ જકાતનાકા પાસેની ઘટના : હુમલામાં ઘવાયેલો યુવાન સારવારમાં
શહેરમાં મોરબી રોડ ઉપર આવેલા જકાતનાકા પાસે રહેતો એક યુવક કસિનોમાં રૂપિયા ચાર લાખ હારી ગયો હતો. અને મિત્રએ હારી ગયેલા યુવકને ઉછીના આપેલા રૂપિયા એકલાખની ઉઘરાણી કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ ઉપર જકાત નાકા પાસે આવેલા સુર્યમુખી હનુમાનજી મંદિર પાસે રહેતા દિલિપ અજયભાઈ જંજુવાડિયા નામનો 19 વર્ષનો યુવાન સાંજના સાડાસાતેક વાગ્યાના અરસામાં મોરબી રોડ જકાતનાકા પાસે હતો ત્યારે નિર્મલ ગમારા, રોહિત ઝાપડા સહિતના અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં હુમલાખોર નિર્મલ ગમારા ઓનલાઈન કસિનો ચલાવે છે. અને દિલિપ જંજવાડિયા તેની સાથે કસિનો રમતા રૂપિયા ચાર લાખ હારી ગયો હતો. જેથી નિર્મલ ગમારાએ દિલિપ જંજવાડિયાને રૂપિયા એક લાખ હાથ ઉછીના આપ્યા હતાં. જે રૂપિયાની ઉઘરાણી કરી નિર્મલ ગમારા સહિતના શખ્સોએ હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આબનાવ અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.