મોરબીના માળિયા મિયાણા શહેરમાં ગઈકાલે સાંજે જૂની ધંધાકીય અદાવતના કારણે સ્વિફ્ટ કારમાં આવેલા હુમલાખોરોએ એક આધેડ પર અંધાધૂંધ ફાયરિંગ કરી તેમની કરપીણ હત્યા નીપજાવી છે. આ સનસનાટીભરી ઘટનામાં મૃતકના પત્નીની ફરિયાદના આધારે માળિયા શહેર ભાજપ પ્રમુખ સહિત કુલ 6 શખ્સો સામે ગુનો નોંધી પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ગઈકાલે સાંજે આશરે 7:30 વાગ્યાના સુમારે માળિયા શહેરમાં જૂના બસ સ્ટેશન પાસે રહેતા 51 વર્ષીય હૈદરભાઈ સુમારભાઈ મોવર પોતાના ઘરના ફળિયામાં બેઠા હતા. આ દરમિયાન સફીર મોવર અને અન્ય 4 અજાણ્યા શખ્સો સ્વિફ્ટ કાર લઈને ત્યાં ધસી આવ્યા હતા અને કશું જ સમજાય તે પહેલાં હૈદરભાઈ પર બંદૂક જેવા હથિયારમાંથી આડેધડ ફાયરિંગ શરૂૂ કરી દીધું હતું.
આ ઘાતકી હુમલામાં ફાયરિંગના કારણે હૈદરભાઈને માથા, ગળા, છાતી તેમજ પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જો કે, ત્યાં હાજર ફરજ પરના તબીબોએ તપાસ કરીને તેમને મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
આ હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પત્ની સાઇનાબેન હૈદરભાઈ મોવરે માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેમના પતિને છેલ્લા 2 વર્ષથી ઇલિયાસ અને સફીર સાથે ધંધા બાબતે ભારે મનદુખ ચાલતું હતું. આ જ જૂની અદાવત રાખીને આખો ખેલ ખેલાયો હતો.
પોલીસ ફરિયાદ મુજબ, આ ધંધાકીય અદાવત રાખીને માળિયા શહેર ભાજપના પ્રમુખ ઇલિયાસ મુસાભાઈ મોવરના કહેવાથી સફીર મુસાભાઈ મોવર અને અન્ય 4 અજાણ્યા શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને આ હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે હાલ ભાજપ પ્રમુખ સહિત તમામ 6 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
