પાર્ટીફંડના કાળા-ધોળામાં રાજકોટના C.A. સહિત 9 સામે ગુનો

બહુ કરોડના રાજકીય દાન કૌભાંડમાં રાજકોટના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે હિસાબો જોયા વિના અને પદાધિકારીઓને મળ્યા વિના ખોટો ઓડિટ રિપોર્ટ આપ્યો હોવાનો આરોપ મૂકી સીઆઈડી ક્રાઈમે એફઆઈઆર…

બહુ કરોડના રાજકીય દાન કૌભાંડમાં રાજકોટના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે હિસાબો જોયા વિના અને પદાધિકારીઓને મળ્યા વિના ખોટો ઓડિટ રિપોર્ટ આપ્યો હોવાનો આરોપ મૂકી સીઆઈડી ક્રાઈમે એફઆઈઆર નોંધી છે. રાજકોટના સીએ કુલદીપદાન પર્વતસિંહ ટાપરિયાનું ગરીબ કલ્યાણ પાર્ટીના ઓડિટર તરીકે નામ છે.

આવકવેરા વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર યતીશ શશીકાંત કાલેની ફરિયાદ પર તા. 25 સપ્ટેમ્બરે સીઆઈડી ક્રાઈમ, અમદાવાદ ઝોનમાં ગુનો નોંધાયો છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 61, 316(2), 318(4), 336(3), 338, 339 અને 340(2) હેઠળ કેસ નોંધાયો છે. ગુનાનો સમયગાળો એપ્રિલ 2022થી સપ્ટેમ્બર 2026 સુધીનો દર્શાવાયો છે. ફરિયાદ મુજબ ગરીબ કલ્યાણ પાર્ટી ચૂંટણી પંચમાં નોંધાયેલો અપ્રમાણિત રાજકીય પક્ષ (આરયુપીપી) છે. નાના ચિલોડા, શ્રીનાથ શોપિંગ સેન્ટરની દુકાન નં. એસએફ-203 તેનું સરનામું છે. પ્રમુખ નીરજ કુમાર ક્ષત્રિય અને ખજાનચી ધીરજ કુમાર ક્ષત્રિયે પ્રાથમિક તપાસમાં સ્વીકાર્યું હોવાનું જણાવાયું છે કે પક્ષ માત્ર કમિશન કમાવવા અને બોગસ એન્ટ્રી આપવા માટે ઊભો કરાયો હતો. જમીન પર કોઈ રાજકીય પ્રવૃત્તિ ન હતી.

કાર્યપદ્ધતિ આ પ્રમાણે હોવાનો આરોપ છે. કરદાતાઓ પક્ષના ખાતામાં ચેક કે આરટીજીએસથી દાન આપતા. તેના બદલે બોગસ રસીદ મળતી, જેથી આવકવેરા કાયદાની કલમ 80જીજીસી હેઠળ 100 ટકા કપાતનો દાવો થઈ શકે. પક્ષ કલમ 13એ હેઠળ મુક્તિનો દાવો કરતો. નાણાં પછી બે શેલ કંપનીકૃષ્ણા એન્ટરપ્રાઇઝિસ અને જલારામ એન્ટરપ્રાઇઝિસના ખાતામાં ટ્રાન્સફર થતાં. ખોટા બિલ બનાવી કેશ ઉપાડી 5થી 7 ટકા કમિશન કાપી બાકી રકમ મૂળ દાતાને રોકડામાં પરત આપવામાં આવતી. ફરિયાદમાં રકમ આ મુજબ છે.

પક્ષે નાણાકીય વર્ષ 2022-23થી 2025-26 દરમિયાન 206,76,33,643 રૂૂપિયાનું બોગસ દાન મેળવ્યું. દાતાઓએ 134,48,89,938 રૂૂપિયાની ખોટી કપાતનો દાવો કર્યો. બંને શેલ કંપનીના ખાતામાં કુલ 1,295,76,63,288 રૂૂપિયાના ક્રેડિટ ટ્રાન્ઝેક્શન જણાયા, જેમાં અન્ય પક્ષ કે વ્યક્તિઓની રકમ પણ હોઈ શકે તેમ લખાયું છે. ચૂંટણી પંચ સમક્ષ ખોટો ફોર્મ-24એ કન્ટ્રિબ્યુશન રિપોર્ટ રજૂ કરી સરકારી તિજોરીને આશરે 62,02,90,092 રૂૂપિયાનું નુકસાન પહોંચાડ્યાનો આરોપ છે, જે પક્ષને મળેલા દાનના 30 ટકા ગણાય છે.

રાજકોટના સીએ ટાપરિયા અંગે ફરિયાદમાં કહેવાયું છે કે તેમણે પક્ષના પદાધિકારીઓને મળ્યા વિના અને હિસાબો જોયા વિના 50,000 રૂૂપિયા રોકડા લઈને 2023-24નો ખોટો ઓડિટ રિપોર્ટ સાચો હોવાનું પ્રમાણિત કર્યું. અમદાવાદના સીએ અશોકકુમાર રાધેશ્યામ શાહે શેલ કંપની હોવાની જાણકારી હોવા છતાં વેરિફિકેશન વિના બેલેન્સશીટ અને ફોર્મ-3સીડી પર ડિજિટલ સહી કરી. સીએ પંકજ અગ્રવાલે બોગસ રિપોર્ટ ઇન્કમટેક્સ પોર્ટલ પર અપલોડ કરવામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી હોવાનો આરોપ છે. આવકવેરા વિભાગની ઈ-ઇન્વેસ્ટિગેશન વિંગે 12 નવેમ્બર 2025ના રોજ સર્વે કર્યો હતો. તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર મોરડિયાને સોંપવામાં આવી છે. આ તમામ આરોપો એફઆઈઆરમાં નોંધાયેલા છે અને તપાસ બાકી છે.

પ્રદિપસિંહ પરિહારના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી બોગસ કંપની બનાવી
અન્ય આરોપીઓમાં પ્રમુખ નીરજ ક્ષત્રિય, સેક્રેટરી ધનંજયસિંહ રાજપૂત, ખજાનચી ધીરજ ક્ષત્રિય, મુખ્ય સૂત્રધાર અભિષેક ચંદ્રપ્રકાશ તિવારી અને શેલ કંપની ધારક પ્રદીપસિંહ પરિહારનો સમાવેશ થાય છે. પરિહારે નિવેદનમાં કહ્યું હોવાનું જણાવાયું છે કે તિવારીએ તેમના દસ્તાવેજો વાપરી જલારામ એન્ટરપ્રાઇઝિસ ખોલી અને તેમને માત્ર 5,000 રૂૂપિયાનો માસિક પગાર આપવામાં આવતો હતો.

અમદાવાદમાં બોગસ રાજકીય પાર્ટીનું રૂા.519 કરોડનું ચૂંટણીફંડ કૌભાંડ
અમદાવાદના નરોડા રોડ પર સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી નામની બોગસ રાજકીય પાર્ટી બનાવી 519 કરોડના નકલી ડોનેશન મેળવી 155 કરોડની કરચોરી આચરવામાં આવી છે. આયકર વિભાગની ફરિયાદના આધારે, સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરમાં ગુનો નોંધાયો છે. સુરેન્દ્ર તિવારી, મેહુલ ખત્રી અને CA મયુર રાઠોડ જેવા આરોપીઓએ ટેક્સ ચોરી કરવા અને કમિશન કમાવવાના ઈરાદે આ ષડયંત્ર રચ્યું હતું. PI કલ્પેશકુમાર પટેલ તપાસ કરી રહ્યા છે. અમદાવાદના નરોડા રોડ પર માત્ર કાગળ પર રજિસ્ટર્ડ અપ્રમાણિત રાજકીય પક્ષ (RUPP) સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી ઊભી કરી રૂૂ. 519 કરોડના બોગસ ડોનેશન મેળવી રૂૂ. 155 કરોડની કરચોરી આચરવા મામલે સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આયકર ભવનના આસિસ્ટન્ટ ડિરેક્ટર મુક્તેન્દ્રકુમાર શતીશકુમારની ફરિયાદ મુજબ, આ પાર્ટીનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ નથી, પરંતુ ટેક્સ ચોરી કરવા અને 8% થી 9% કમિશન કમાવવાના હેતુથી જ આ સુવ્યવસ્થિત ષડયંત્ર રચાયું હતું. દસ્તાવેજી રેકોર્ડ મુજબ પક્ષનું સત્તાવાર સરનામું દુકાન નં. 2, મહાવીર નગર, કલ્યાણ મિલ સામે, ચેતના હોટલની બાજુમાં, નરોડા રોડ, સૈજપુર બોઘા, અમદાવાદ – 382345 દર્શાવવામાં આવ્યું હતું. જોકે આ સરનામે પાર્ટીની કોઈ ઓફિસ, સ્ટાફ કે રાજકીય પ્રવૃત્તિ જોવા મળી નહોતી. આરોપીઓએ માત્ર કાગળ પર પાર્ટી ઊભી કરી મોટા કરદાતાઓ પાસેથી બેંક દ્વારા દાન મેળવી કલમ 80ૠૠઈ હેઠળ 100% મુક્તિ અપાવી હતી. બાદમાં આ નાણાં જય ટ્રેડિંગ કંપની નામની શેલ પેઢીમાં ટ્રાન્સફર કરી, રોકડ ઉપાડી કમિશન કાપી દાતાઓને કેશબેક સ્વરૂૂપે પરત આપી દેવાતા હતા. પીઆઈ કલ્પેશકુમાર પટેલ આ સમગ્ર કૌભાંડની તપાસ ચલાવી રહ્યા છે.